રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત (ફાઇલ ફોટો) (Photo by BIJU BORO/AFP via Getty Images)

આગામી સમયગાળામાં પાચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે લાગણીઓ ભડકાવીને મત મેળવવાના પ્રયાસો સામે લોકોએ સાવધ રહેવું જોઇએ. લોકોએ દેશની એકતા, અખંડિતતા, ઓળખ અને વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઇએ. મણિપુર હિંસાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો દાવો કરીને તેમણે જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વના રાજ્યની સ્થિતિ માટે બહારના પરિબળો  જવાબદાર છે. આવા અલગતાવાદ અને આંતરિક સંઘર્ષથી કોને ફાયદો થાય છે? બહારની શક્તિઓને પણ ફાયદો થાય છે. મણિપુરની હિંસા થઈ રહી નથી, પરંતુ કરાવવામાં આવી રહી છે.

નાગપુર ખાતે આરએસએસની દશેરા રેલીને સંબોધતા ભાગવતે કહ્યું હતું કે સાંસ્કૃતિક માર્ક્સવાદીઓ મીડિયા અને શિક્ષણ સંસ્થાઓમાં પોતાની વગ વાપરીને દેશના શિક્ષણ અને સંસ્કૃતિને બરબાદ કરી રહ્યાં છે. સાંસ્કૃતિક માર્ક્સવાદીઓ અને કેટલાંક તત્વો અરાજકતા, અંધાધૂંધી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. તેઓ સામાજિક વ્યવસ્થા, નૈતિકતા, સંસ્કૃતિ, ગૌરવ, સંયમને ખોરવી નાંખવા માગે છે.

22 જાન્યુઆરીએ અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે અને લોકોને તેની ઉજવણી કરવા માટે દેશભરના મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન કરવું જોઇએ. વિજયાદશમી ઉત્સવ દરમિયાન ભાગવતે શસ્ત્રપૂજા કરી હતી. આ કાર્યક્રમમાં ગાયક-સંગીતકાર શંકર મહાદેવન મુખ્ય અતિથિ હતા.

પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા નાગરિકોને સમજી વિચારીને મતદાન કરવાની સલાહ આપતા તેમણે જણાવ્યું હતું કે કોણ સારું છે અને કોણે સારું કામ કર્યું છે તેના વિશે શાંત ચિત્તે વિચારો. ભારતની જનતાએ બધું જ અનુભવ્યું છે, જે શ્રેષ્ઠ છે તેમને મત આપો.

હિંસા ઉશ્કેરવા તથા પરસ્પર અવિશ્વાસ અને દ્રેષ પેદા કરવા માટે ટૂલકિટ્સના ઉપયોગનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે આપણે છૂટાછવાઇ  ઘટનાઓથી વિચલિત થયા વિના શાંતિ અને સંયમ સાથે કામ કરવું પડશે. માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ, પૂર્વજો પ્રત્યેનું ગૌરવ અને સામાન્ય સંસ્કૃતિ એવા ત્રણ તત્વો છે કે જે તમામ ભાષા, પ્રદેશ, ધર્મ, સંપ્રદાય, જાતિ અને પેટાજાતિની તમામ વિવિધતાને સાથે જોડીને આપણને એક રાષ્ટ્ર બનાવે છે. ભારતની બહાર ઉદભવેલા ધર્મોનું પાલન કરતાં લોકોએ પણ આ બાબતનું પાલન કરવું જોઇએ.

G20 સમિટની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ સરકારની પ્રશંસા કરતા ભાગવતે કહ્યું હતું કે આફ્રિકન યુનિયનને સભ્ય બનાવામાં ભારતે જે સાચી સદભાવના અને રાજદ્વારી કુનેહ દર્શાવ્યો છે તેને દરેકે જોઈ છે. G20 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરીને આપણા નેતૃત્વએ વૈશ્વિક મંચ પર ભારતને એક મુખ્ય રાષ્ટ્ર તરીકે નિશ્ચિતપણે સ્થાપિત કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. ભારતની ઓળખ અને હિન્દુ સમાજની ઓળખ જાળવવાની ઈચ્છા સ્વાભાવિક છે. હાલમાં કટોકટીનો સામનો કરી રહેલા વિશ્વની અપેક્ષા છે કે એક નવા વિઝન સાથે ભારતનો ઉદભવ થાય.

ગાઝા પટ્ટી અને યુક્રેનમાં યુદ્ધ જેવા સંઘર્ષ અંગે તેમણે જણાવ્યું હતું કે વિશ્વ ધાર્મિક સાંપ્રદાયિકતાના કારણે ઉદભવતી કટ્ટરતા, ઘમંડ અને ઉન્માદનો સામનો કરી રહ્યું છે. હિતો વચ્ચે ટકરાવ અને કટ્ટરવાદીને કારણે ઊભા થયેલા યુક્રેન યુદ્ધ અથવા ગાઝા પટ્ટી જેવા સંઘર્ષોનો કોઈપણ ઉકેલ મળી રહ્યો નથી.

 

LEAVE A REPLY

eighteen − fifteen =