પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની સમિતિએ તમામ ધોરણોના પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત લખવાની ભલામણ કરતાં મોટો વિવાદ ઊભો થયો હતો. વિરોધ પક્ષોએ આ ભલામણનો વિરોધ કરીને સરકાર પર આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી ભાજપ દેશનો ઇતિહાસ બદલી નાંખવા માગે છે.

NCERTએ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં સુધારાવધારા કરવા માટે રચેલી સમિતિએ તમામ ધોરણોના પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ લખવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સી આઈ આઈઝેકના જણાવ્યા અનુસાર સમિતિએ અભ્યાસક્રમમાં “પ્રાચીન ઈતિહાસ”ને બદલે ક્લાસિકલ હિસ્ટરી રાખવા અને તમામ વિષયોના અભ્યાસક્રમમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS)નો સમાવેશ કરવાનું પણ સૂચન કર્યું છે. જોકે NCERTના અધ્યક્ષ દિનેશ સકલાનીએ જણાવ્યું હતું કે સમિતિની ભલામણો પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ ભલામણો પર તીખી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા વેણુગોપાલે કહ્યું હતું કે રમતના મેદાન પરની ટીમ ઈન્ડિયા હોય કે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન હોય તે ઇન્ડિયા શબ્દ માટે ભારત જેટલો ગૌરવ જગાવે છે. ઇન્ડિયાના હાથે જોરદાર હારના ભયે સરકાર આવા મરણિયા પ્રયાસો કરી રહી છે. ભાજપે ભારત કે ઇન્ડિયા કોઇ પ્રત્યે નિષ્ઠાવાન નથી. ધ્રુવીકરણના રાજકારણ માટેની ભાજપની આ એક પ્રયુક્તિ છે.

લાલુ યાદવના પક્ષ આરજેડીના સાંસદ મનોજ કુમાર ઝાએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનની રચના થઈ છે ત્યારથી ભાજપ સરકાર આવી પ્રતિક્રિયા આપી રહી છે. જો હવે ઇન્ડિયા ગઠબંધન તેનું નામ બદલીને ભારત કરશે તો સરકાર દેશનું નામ બદલીને જંબુદ્વીપ’ કરશે. AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરે જણાવ્યું હતું કે આ બાબત દર્શાવે છે કે PM મોદી ઇન્ડિયન ગઠબંધનથી ભયભીત બન્યાં છે. સરકાર નામ બદલવાની જગ્યાએ બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયાસો કરવા જોઇએ. ડીએમકેના પ્રવક્તા સરવનન અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે દુષ્કૃત્યો અને ગેરવહીવટથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ નામ-પરિવર્તનની રાજનીતિને આશરો લઈ રહ્યો છે.

 

LEAVE A REPLY

3 × one =