ભરૂચ જિલ્લાની કેમિકલ ફેક્ટરી ઓમ ઓર્ગેનિક કંપનીમાં સોમવાર (11 એપ્રિલ)ની વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટને પગલે 6 મજૂરોના મોત થયા હતા. (PTI Photo)

ભરૂચ જિલ્લાની કેમિકલ ફેક્ટરી ઓમ ઓર્ગેનિક કંપનીમાં સોમવાર (11 એપ્રિલ)ની વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટને પગલે 6 મજૂરોના મોત થયા હતા. રાત્રે આશરે ત્રણ વાગ્યે દહેજ ઔદ્યોગિક વસાહતની ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયામાં બ્લાસ્ટ થવાના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં ઉત્તરપ્રદેશના નિવાસી પારસનાથ યાદવ અને રતન ખુશવાહ (બંને ઓપરેટર્સ), જુનાગઢના જયદીપ બામરોલિયા (લેબ ટેકનિશિયન), નર્મદા જિલ્લાના રાજુભાઈ વસાવા (હેલ્પર), ઝારખંડના પુનિત મોહન્તો (હેલ્થર) અને મધ્યપ્રદેશના તિરથ ગદારી (ઓપરેટર)નો સમાવેશ થાય છે.

ભરુચના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ લીના પાટીલે જણાવ્યું હતું કે એક રિએક્ટર નજીક છ કામદારો કામ કરી રહ્યાં હતા ત્યારે સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્રોસેસ દરમિયાન અચાનક વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટને કારણે ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. રિએક્ટર પાસે કામ કરી રહેલા તમામ છ વ્યક્તિના મોત થયા હતા, જેમના મૃતદેહ પોર્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આગને કાબૂમાં લેવામાં આવી હતી.

આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, પ્લાન્ટનો મોટો હિસ્સો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. દુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગે જાણ થયા બાદ પોલીસ ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ અને સેફ્ટી ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર દુર્ઘટના પાછળ કંપનીની બેદરકારી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.