(Photo by Anthony Kwan/Getty Images)

ચીનના મહત્ત્વના વૈશ્વિક આર્થિક કેન્દ્ર – હોંગકોંગમાં સત્તાવાળાઓ માટે કોવિડ-19ના કારણે મોર્ગ (મૃતદેહો રાખવાનું સ્થળ) માં જગ્યાનો અભાવ એક સમસ્યા બની ગઈ છે, તો લાકડાના પરંપરાગત કોફિનની પણ અછત છે અને અંતિમ સંસ્કાર કરવાના સ્થળોએ અંધાધૂંધીની સ્થિતિ ઊભી થઇ છે.

37 વર્ષના ફ્યુનરલ ડાયરેક્ટર લોક ચુંગે જણાવ્યું હતું કે, ‘મેં અગાઉ ક્યારેય આટલા બધા મૃતદેહો એકસાથે ભેગા થતા જોયા નથી’, તેઓ 24 કલાક કામ કરી રહ્યા છે, ગત માર્ચમાં અંદાજે 40 અંતિમ સંસ્કાર કરાયા હતા, સામાન્ય સંજોગોમાં દર મહિને સરેરાશ 15 અંતિમ સંસ્કાર થાય છે.

ચુંગે વધુમાં જણાવ્યું હતું કે, ‘મેં પરિવારજનોને ક્યારેય આટલા અસ્વસ્થ, આટલા નિરાશ, આટલા લાચાર જોયા નથી.’ આ ભૂતપૂર્વ બ્રિટિશ કોલોનીમાં આ વર્ષે કોરોના વાઇરસના રોગચાળાનું પાંચમું મોજું આવ્યું ત્યારથી, ત્યાં કોરોના દર્દીઓના એક મિલિયનથી વધુ કેસ અને આઠ હજારથી વધુ મૃત્યુ નોંધાયા છે.

શબઘરોમાં જગ્યા ભરાઇ ગઇ હોવાથી દર્દીઓની બાજુમાં ઇમરજન્સી રૂમમાં લાશના ઢગલાના ખડકાય છે અને તેના પગલે ઘણા લોકોને આંચકો લાગ્યો છે. ચુંગે વધુમાં જણાવ્યું હતું કે, મૃત્યુ અંગેના ડોક્યુમેન્ટસની પ્રોસેસ કરવા માટે લાંબી રાહ જોવી પડતી હોવાથી અંતિમ સંસ્કારમાં વિલંબ થાય છે. ગત અઠવાડિયે એક દર્દીનું કોવિડ-19ના કારણે મૃત્યુ થતાં તેમને તાત્કાલિક શબઘરમાં પહોંચીને અંતિમ વ્યવસ્થા કરવી પડી હતી. અને 1 માર્ચના રોજ મૃત્યુ પામેલી મહિલાનો પરિવાર હજુ પણ તેના મૃતદેહનો દાવો કરવા માટે ડોક્યુમેન્ટ્સની રાહ જોઈ રહ્યો હતો.

કારથી લઈને ઘરો અને અન્ય અંગત વસ્તુઓની પરંપરાગત કાગળની પ્રતિકૃતિઓની પણ અછત ઊભી થઇ છે, જે મૃતકોની સાથે ચાઇનીઝ અંતિમ સંસ્કારમાં તર્પણ તરીકે બાળવામાં આવે છે, જેથી તેનો બાકીના જીવનમાં ઉપયોગ કરવા માટે આવી શકે.

આ વિલંબ માટે પડોશમાં આવેલા દક્ષિણ ચીનના શહેર શેનઝેનથી વસ્તુઓ લાવવા માટે ત્યાંના પરિવહનમાં લોગજામને જવાબદાર ઠેરવવામાં આવે છે, જે ઘણી વસ્તુઓનો પૂરવઠો પૂરો પાડે છે, પરંતુ હવે તે પણ ત્યાં કોવિડ-19 મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે. રોગચાળાને કારણે હોંગકોંગની સરહદ મોટાભાગે બંધ રહે છે. ફ્યુનરલ પાર્લર્સના કર્મચારીઓમાં ચેપનો ફેલાવો પણ એક નોંધપાત્ર પડકાર છે, એમ અન્ય ફ્યુનરલ ડાયરેક્ટર, 31 વર્ષના હેડ્સ ચાને જણાવ્યું હતું.

‘એક અંદાજ મુજબ 25 ટકા કર્મચારીઓ કામ કરવા માટે સક્ષમ નથી. તેથી કેટલાક પાર્લર્સ કાર્યરત રાખવા માટે કર્મચારીઓએ એકબીજા પાર્લરમાં ફરજ બજાવવા જવું પડે છે.