મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થયા બાદ રાહત અને બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ દુર્ધટનામાં સાત બાળકો સહિત દસ વ્યક્તિના મોત થયા હતા. (PTI Photo)

મહારાષ્ટ્રના ભિવંડીમાં રવિવાર રાત્રે ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થતાં સાત બાળકો સહિત 10 લોકોનાં મોત થયાં હતા. કાટમાળમાં હજુ પણ 10 લોકો દબાયા હોવાની શક્યતા છે. આ દુર્ઘટના રવિવાર રાત્રે 3.40 વાગ્યે બની હતી. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ નબળું પડી ગયું હતું.

આ ઇમારતમાં 40 ફ્લેટ હતા અને આશરે 150 લોકો રહેતા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. લોકો રાત્રે ઉંઘી રહ્યા હતા, ત્યારે બિલ્ડિંગ તૂટી પડી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે આવી પહોંચી હતી. NDRFના ડીજી એન પ્રધાને જણાવ્યું હતું તે તેમની ટીમ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધીને બચાવવાની કામગીરી કરી રહી છે. આ બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડ્યા હતા અને તેનાથી ઘણા લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. આ બિલ્ડિંગ ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની જોખમી ઇમારતોની યાદીમાં ન હતી.