કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકામાં અમેરિકાના 13 સૈનિકોના મોત બાદ પ્રેસિડન્ટ જો બાઈડન વ્હાઈટ હાઉસમાં આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે અમે આતંકવાદીઓને માફ નહીં કરીએ, અમે તેમને શોધીશું અને તેમને સજા આપીશું.

બાઈડેને કાબુલના હુમલાખોરોને ચેતવણી આપતા કહ્યું કે ‘અમે માફ નહીં કરીએ. અમે ભૂલીશું નહીં. અમે તમને શોધીને મારીશું અને તમારા કૃત્યો માટે તમને સજા આપીશું.’ બાઈડેને કહ્યું હતું કે ‘અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બચાવીશું. અમે અમારા અફઘાન સાથીઓને પણ બહાર કાઢીશું અને અમારું મિશન ચાલુ રહેશે.’
કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલા બાદ તેમણે જણાવ્યું હતું કે ‘અત્યાર સુધી કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે જોડાણના કોઈ પુરાવા નથી.’

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડને ખુદ કાબુલ એરપોર્ટ પર ઓછામાં ઓછા ત્રણ વખત હુમલાની ચેતવણી આપી હતી. 20 ઓગસ્ટના રોજ તેમણે કહ્યું હતું કે અમે એરપોર્ટ પર અથવા તેની નજીકના કોઈપણ સંભવિત આતંકવાદી ખતરા પર પણ કડક નજર રાખી રહ્યા છીએ. આમાં અફઘાનિસ્તાનમાં ISISના સાથીઓનો સમાવેશ થાય છે જે જેલ તોડીને બહાર આવ્યા છે.