કાબુલ એરપોર્ટ પર ગુરુવારે થયેલા બે બોંબ વિસ્ફોટ બાદ ઘાયલને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ) (Photo by WAKIL KOHSAR/AFP via Getty Images)

કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 13 અમેરિકી સૈનિકોના મૃત્યુ બાદ અમેરિકાએ વળતો પ્રહાર કરવાની જાહેરાત કરી હતી. પ્રેસિડન્ટ જો બાઈડેને ચેતવણી આપી હતી કે અમે તમને માફ નહીં કરીએ, શોધીને સજા આપીશું. સાથે જ તેમનું મિશન હજું પૂરૂ થયું નથી.

શહીદ સૈનિકોને સન્માન આપવા માટે અમેરિકાનો રાષ્ટ્રીય ધ્વજ ઝુકેલો રહેશે. વ્હાઈટ હાઉસ દ્વારા મળતા અહેવાલ પ્રમાણે અમેરિકાનો રાષ્ટ્રીય ધ્વજ 30 ઓગષ્ટની સાંજ સુધી અડધી કાઠીએ રહેશે. કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટોમાં 13 અમેરિકી સૈનિકોના મોત થયા હતા અને 18 કરતા વધારે સૈનિકોને ઈજાઓ થઈ હતી.

કાબુલ એરપોર્ટના એબી ગેટ બહાર પહેલો વિસ્ફોટ થયો હતો જ્યાં અમેરિકા અને બ્રિટનના સૈનિકો તૈનાત રહે છે. જાણવા મળ્યા મુજબ હુમલાખોર ફાયરિંગ કરતો કરતો એબી ગેટ પાસે આવ્યો હતો અને તેણે પોતાની જાતને બોમ્બ વડે ઉડાડી દીધી હતી. બીજો વિસ્ફોટ એબી ગેટ પાસે બૈરલ હોટેલની બહાર થયો હતો. એવું માનવામાં આવે છે કે, વિસ્ફોટનો ઉદ્દેશ્ય સૈનિકોને ટાર્ગેટ કરવાનો જ હતો.