બિડેન 2020ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં વિજયી બન્યા બાદ કમલા હેરિસ અને જો બિડેને વિલિંગ્ટનમાં તેમના સમર્થકોનું અભિવાદન કર્યું હતું. ( Andrew Harnik/Pool via REUTERS)

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામેની પ્રેસિડન્ટની ચૂંટણીમાં વિજય સાથે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બિડેન અમેરિકાના 46માં પ્રેસિડન્ટ બનશે. બિડેન 20 જાન્યુઆરીએ વિવિધત રીતે દેશના પ્રેસિડન્ટ બનશે. કમલા હેરિસ પ્રથમ મહિલા વાઇસ પ્રેસિડન્ટ બનશે.

પ્રેસિડન્ટની ચૂંટણીમાં શનિવારે બિડેન તેમના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પને પરાજયા આપ્યો હતો. શનિવારે એડિસન રિસર્ચ અને બીજી કેટલીક અગ્રણી ટેલિવિઝઃન નેટવર્કે બિડેનને વિજેતા જાહેર કર્યા હતા. પેન્સિલવેનિયામાં વિજેતા જાહેર કર્યા બાદ બિડને 270 ઇલેક્ટ્રોરલ વોટનો જાદુઈ આંક પાર કર્યો હતો. બિડેનને કુલ 296 ઇલેક્ટોરલ વોટ મળવાનો અંદાજ છે. હાલમાં મતગણતરી ચાલુ છે તેવા રાજયોમાં તેઓ સરસાઈ ધરાવે છે. ટ્રમ્પને 2006ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં 304 ઇલેક્ટ્રોરલ વોટ મળ્યા હતા. 2020ની ચૂંટણીમાં બિડેન અને કમલા હેરિસને આશરે 75 મિલિયન વોટ મળ્યા હતા, જે અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ છે. બિડેનને ટ્રમ્પ કરતાં આશરે ચાર મિલિયન વોટ વધુ મળ્યાં હતા.

77 વર્ષના બિડેન અમેરિકાના પ્રેસિડન્ટ બનનારા સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે. બિડેને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘અમેરિકા, હું સન્માનિત થયો છું કે તમે મને આપણાં મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો છે. આપણું આગળનું કામ મુશ્કેલ હશે, પરંતુ હું તમને વચન આપું છું કે હું તમામ અમેરિકન્સનો પ્રેસિડન્ટ બનીશ, પછી તમે મને વોટ આપ્યો હોય કે ન આપ્યો હોય.’