આરજેડીના નેતા તેજશ્વી યાદવ અને તેજપ્રતાપ અને અન્ય નેતાઓ વૈશાલીને એક ચૂંટણીસભામાં. (PTI Photo)

બિહાર વિધાનસભાની ચૂંટણી બાદના વિવિધ એક્ઝિટ પોલના સરેરાશ અંદાજ મુજબ તેજશ્વી યાદવના વડપણ હેઠળના મહાગઠબંધનને 124 બેઠક સાથે બહુમતી મળવાની શક્યતા છે. જ્યારે નીતિશ કુમારના વડપણ હેઠળના એનડીએ ગઠબંધનને 110 બેઠક મળી શકે છે. બિહારની કુલ 243 બેઠકોમાંથી બહુમતી માટે 122 બેઠકોની જરૂર પડે છે. આ માત્ર એક્ઝિટ પોલના તારણ છે અને ભૂતકાળમાં ઘણી વખત ખોટા પડેલા છે. ચૂંટણીનું રિઝલ્ટ દસ નવેમ્બરે આવશે.

ટાઇમ્સ નાઉ-સી વોટરના એક્ઝિટ પોલના સંકેત મુજબ રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાનું નિર્માણ થઈ શકે છે. રાજ્યમાં નીતિશકુમારના આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 116 બેઠક મળી શકે છે, જ્યારે તેજશ્વી યાદવના વડપણ હેઠળના મહાગઠબંધનને 120 બેઠક મળવાની ધારણા છે. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીને એક બેઠક મળવાનો અને અન્યને 6 બેઠક મળવાનો અંદાજ છે.

રિપબ્લિક જન કી બાત એક્ઝિટ પોલ્સ મુજબ આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધનને 118થી 138 બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે એનડીએ ગઠબંધનને 91થી 117 બેઠક મળવાની ધારણા છે. પક્ષવાર જોઇએ તો આરજેડીને 79થી 91, કોંગ્રેસને 24થી 30, ડાબેરી પક્ષોને 15થી 17, ભાજપને 60થી 75, જેડીયુને 31થી 42 બેઠક મળવાનો અંદાજ છે.

એબીપી-સીવોટર એક્ઝિટ પોલના સંકેત મુજબ એનડીએને 104થી 128 બેઠક મળવાની અને તેજશ્વી યાદવના વડપણ હેઠળના મહાગઠબંધનને 108થી 131 બેઠક મળવાનો અંદાજ છે. એલજેપીને ત્રણ બેઠક મળી શકે છે, જ્યારે બીજા પક્ષોને ચારથી આઠ બેઠક મળી શકે છે.

બિહારમાં વિધાનસભાની 243 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. સત્તાવાર રિઝલ્ટની જાહેરાત 10 નવેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં 28 ઓક્ટોબરે 71 બેઠકો માટે, બીજા તબક્કામાં 3 નવેમ્બરે 94 બેઠકો માટે અને ત્રીજા તબક્કામાં સાત નવેમ્બરે બાકીને 78 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. હાલની સરકારનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થશે.