(ANI Photo)

ટી-20 વર્લકપમાં સોમવારે નામીબિયા સામેની મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. આ મેચ ઘણી ખાસ હતી. વિરાટ કોહલી માટે ટી20 કેપ્ટન તરીકે આ અંતમ મેચ હતી અને રવિ શાસ્ત્રી માટે કોચ તરીકે આ અંતિમ મેચ હતી. રવિ શાસ્ત્રીએ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ તેની પાછળનું કારણ આપતા રવિ શાસ્ત્રીએ દાવો કર્યો કે, જો ડોન બ્રેડમેનને પણ લાંબા સમય સુધી બાયો બબલમાં રાખવામાં આવે તો તેમની બેટિંગની સરેરાશ પણ નીચે આવી જાય. રવિ શાસ્ત્રીએ યાદ અપાવ્યું કે, ભારતીય ટીમ લગભગ છ મહિનાથી બાયો બબલમાં રહે છે.

અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાએ નામીબિયા સામે નવ વિકેટથી જીત મેળવી હતી, પરંતુ તે સેમીફાઈનલમાં સ્થાન નથી મેળવી શકી. ભારતીય ટીમે પ્રથમ બે મેચોમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બે હાર પછી ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ અન્ય ટીમના પ્રદર્શન પર નિર્ભર હતી.
આ મેચ પછી રવિ શાસ્ત્રીએ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, હું એક વાત કહેવા માંગીશ, આ કોઈ બહાનુ નથી. જ્યારે તમે છ મહિના બબલમાં રહો છો…આ ટીમમાં અનેક એવા પ્લેયર્સ છે જે ત્રણેય ફોર્મેટમાં રહે છે. છેલ્લાં 24 મહિનામાં તેઓ માત્ર 25 દિવસ પોતાના ઘરે રહ્યા છે. મને ફરક નથી પડતો કે તમે કોણ છો. તમારું નામ બ્રેડમેન જ કેમ ના હોય, તમે આખરે એક માણસ છો અને તમારું પર્ફોમન્સ પ્રભાવિત થશે. એવુ નથી કે ગાડીમાં પેટ્રોલ નાંખ્યુ અને તે ચાલવા લાગ્યું.

ટીમના વખાણ કરતાં કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, જો બાયો બબલના થાકના મુદ્દાનું વહેલીતકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો પ્લેયર્સની સમસ્યાઓ વધી શકે છે. સીરિઝનો અંત કેવો આવ્યો તેના કરતા વધારે મહત્વની બાબત એ છે કે એક ટીમ તરીકે તમે શું ઉપલબ્ધ કર્યું. પ્લેયર્સ રમતા રહ્યા, તેમણે ફરિયાદ નથી કરી. પરંતુ આજે નહીં તો કાલે આ ફુગ્ગો ફૂટશે, અને આ માટે સાવધ રહેવું પડશે.