મુંબઈમાં બુધવારે ચક્રવાત 'બિપરજોય' ની અસરને કારણે ગેટવે ઑફ ઈન્ડિયા ખાતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. (ANI Photo)

વાવાઝોડુ બિપરજોય ગુરુવાર, 15 જૂને કચ્છના દરિયાકાંઠાને વિસ્તારને ટકરાવવાની શક્યતા હોવાથી ભારતના હવામાન વિભાગે બુધવારે સવારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કર્યો હતો. કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓએ મંગળવારે વિવિધ સ્તરે તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અત્યાર સુધી 44,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. વાવાઝોડાની અસરને કારણે રાજ્યના 95 તાલુકામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ થયો હતો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ચક્રવાત ‘બિપરજોય’ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને તમામ હિતધારકો અને અધિકારીઓને ‘શૂન્ય જાનહાનિ’ સુનિશ્ચિત કરવા અને સંભવિત નુકસાનને ઓછું કરવા નિર્દેશ આપ્યો હતો. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચક્રવાતથી પ્રભાવિત થઈ શકે તેવા રાજ્યના આઠ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના સાંસદોએ આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.

બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે નજીક આવી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ થયો હતો. બુધવારે સવારે પૂરા થયેલા 24 કલાકમાં સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં 54 તાલુકાઓમાં 10 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 121 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ દ્વારકા (92 મીમી) અને કલ્યાણપુર (70 મીમી)નો ક્રમ આવે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે 15 જૂને ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે ત્યારે વરસાદની તીવ્રતા વધશે, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

LEAVE A REPLY

two × five =