દિલ્હીમાં હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહાર કરાયા બાદ હવે ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના નેતા અને કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજધર્મ નિભાવવાના નિવેદનને લઈને જોરદાર પ્રહાર કર્યો છે. પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ મહેરબાની કરીને અમને રાજધર્મ વિશેનો બોધપાઠ ના આપે તેમની પોતાની કારકિર્દી આંટીઘૂંટી વાળી રહેલી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ સોનિયા ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિને મળ્યું હતું અને તેમણે દિલ્હી હિંસા મુદ્દે મેમોરેન્ડમ સોંપ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માગ કરવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રએ પોતાનો રાજધર્મ નિભાવવો જોઈએ તેવો ઉલ્લેખ પણ કર્યો હતો.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે સરકાર હિંસાને અટકાવવા પહેલા દિવસથી જ સક્રિય છે. આ ઉપરાંત ભાજપના નેતા કપિલ મિશ્રા અને પ્રવેશ વર્માના ભડકાઉ નિવેદનો અંગે પૂછતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પક્ષ આવા નિવેદનોને મંજૂરી આપતું નથી.

રવિ શંકરે સોનિયા ગાંદી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘મહેરબાની કરીને અમને રાજધર્મની સલાહ ના આપો, તમારો રેકોર્ડ આંટીઘૂંટી વાળો રહેલો છે. એનપીઆરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ કંઈ કરે છે તો તે સારું છે પરંતુ જો અમે કરીએ તો તેઓ લોકોને ઉશ્કેરે છે. આ કેવા પ્રકારનો રાજધર્મ છે?’

ગત ડિસેમ્બરમાં સોનિયા ગાંધીએ દિલ્હીના રામ લીલા મેદાનમાં આર યા પારની લડાઈ એવું કહ્યું હતું. પ્રસાદે આ મુદ્દે કહ્યું કે, શું આવા નિવેદનો ઉશ્કેરણીજનક નથી. તેમણે વધુ કહ્યું કે, કોંગ્રેસ વોટ બેન્કની રાજનીતિ માટે ગમે તે સ્તર સુધી નીચે જઈ શકે છે. દેશમાં શાંતિ અને એખલાસ જળવાઈ રહે તે માટે કોંગ્રેસ જવાબદાર પક્ષ તરીકે વર્તવું જોઈએ તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.