ભાજપના 42 સ્થાપના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. ANI Photo)

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 42માં સ્થાપના દિવસની બુધવાર, 6 એપ્રિલ 2022ના રોજ ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980 માં થઈ હતી. આ નવા પક્ષનો જન્મ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ સ્થાપેલા ભારતીય જનસંઘમાંથી થયો હતો.

6 એપ્રિલ 1980ના રોજ મહાનગર મુંબઈમાં ભારતીય જનતા પક્ષનું સ્થાપના અધિવેશન યોજાયું હતું. ભાજપે મુંબઈ અધિવેશનમાં રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય ઐકય, લોકશાહી, વિધેયાત્મક બિનસાંપ્રદાયિકતા અને મૂલ્ય આધારિત રાજનીતિ જેવી બાબતો પર પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 1984માં ભારતીય જનતા પાર્ટીએ અટલ બિહારી વાજપયીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી લડી અને તેમને માત્ર 2 બેઠકો મળી હતી. 1986માં લાલકુષ્ણ અડવાણીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને તેમના નેતૃત્વમાં 1989ની ચૂંટણીમાં BJPએ 89 બેઠકો જીતીને જનતા દળને સમર્થન આપ્યું અને આ રીતે વી પી સિંહની સરકાર બની હતી. અડવાણીએ હિન્દુત્વનો મુદ્દો ઉઠાવીને રામ મંદિર માટે રથયાત્રા કાઢી હતી. તેનાથી ભાજપની લોકપ્રિયતા અને વ્યાપમાં વધારો થયો હતો.

1999માં વાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો એકઠા થયા હતા અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સ્થાપના થઇ હતી. વાજપેયીના નેતૃત્વમાં જ આ સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા હતી. વાજપેયીની પ્રથમ સરકાર માત્ર 13 દિવસ અને બીજી સરકાર માત્ર 13 મહિના ચાલી હતી.

વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીઓમાં NDA અને ભાજપનો પરાજય અણધાર્યો હતો. વાજપેયી પછી લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વને દેશમાં સ્વીકૃતિ ન મળી એટલે 2014 સુધીનો એક દાયકો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએનો રહ્યો હતો આ સમયગાળો ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી ખરડાયેલો હતો. તેનું પરિણામ એ આવ્યું કે 2014માં નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વને ભારતની જનતાએ 282 બેઠકોની જંગી બહુમતી આપી હતી, આમ ભાજપને લોકસભામાં પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી મળી હતી. કોંગ્રેસ પછી જો કોઇ એક પક્ષને લોકસભામાં સંપૂર્ણ અને જંગી બહુમતી મળી હોય તેવી ઘટના ભારતના રાજકીય ઇતિહાસમાં 2014માં પહેલીવાર બની હતી. ભાજપના રાજકીય ઇતિહાસનું આ સર્વોચ્ચ શિખર હતું.

2014માં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી ભાજપને નવા શિખરે લઈ આવી હતી. તે સમયે ભારતમાં ચોતરફ મોદીનું નામ ગુંજતું હતું.