તમિલનાડુના કુન્નૂર નજીકના જંગલમાં તૂટી પડેલા મિલિટરી હેલિકોપ્ટરનું ફ્લાઇટ ડેટા રિકોર્ડર અથવા બ્લેકબોક્સ ગુરુવારે મળી આવ્યું હતું. બ્લેક બોક્સ મળતા આ દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળવાની ધારણા છે. આ દુર્ઘટનમાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને બીજા 12 વ્યક્તિઓના ગુરુવારે અવસાન થયું હતું.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ દુર્ઘટના અંગે સંસદમાં એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ ચાલુ છે અને એકમાત્ર બચી ગયેલા વ્યકિત લાઇફ સપોર્ટ સિસ્ટમમાં છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અથવા બ્લેક બોક્સ સહિત બે બોક્સ મળ્યા છે. સત્તાવાળાએ તપાસ હેઠળના વિસ્તારને 300 મીટરથી વધારીને એક કિલોમીટર કર્યા બાદ આ બંને બોક્સ મળ્યા હતા. આ બંને બોક્સને દુર્ઘટનાનું કારણ જાણવા માટે દિલ્હી કે બેંગુલુરુ લાવવામાં આવે તેવી શક્યતા છે.

બ્લેક બોક્સથી મિલિટરીના Mi-17VHની દુર્ઘટના અંગેના ઘટનાક્રમ સંબંધિત મહત્ત્વની માહિતી મળવાની ધારણા છે. બુધવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં હેલિકોપ્ટર તૂટી પડ્યું હતુ અને તેમાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 63 વર્ષના જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને બીજા 11 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનમાં હવાઇદળના ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનો બચાવ થયો હતો. તેઓ પ્રતિષ્ઠિત ડીએસએસસીમાં ઇન્સ્ટ્રક્ટર છે.

રાજનાથે જણાવ્યું હતું કે ગ્રૂપ કેપ્ટન સિંહને બચાવવા માટે તમામ પ્રયાસો ચાલુ છે. તેઓ વેલિંગ્ટનમાં મિલિટરી હોસ્પિટલમાં લાઇફ સપોર્ટ પર છે. ભારતીય હવાઈ દળે એર માર્શલ માનવેન્દ્ર સિંહના વડપણ હેઠળ તપાસનો આદેશ આપ્યો છે. તપાસકર્તા ટીમ બુધવારે વેલિંગ્ટન પહોંચી ગઈ હતી અને તપાસ ચાલુ કરી હતી.