(Photo by Oli Scarff/Getty Images)

ઓફિસ ઓફ નેશનલ સ્ટેટેસ્ટીક્સ ONSના નવા આંકડા મુજબ શ્યામ અને લઘુમતી વંશીય (BME) કામદારોનો બેરોજગારીનો દર શ્વેત કામદારો કરતા ત્રણ ગણો વધી ગયો છે. 917,000 લોકો હજુ પણ ઝીરો અવર કોન્ટ્રેક્ટ પર છે. ટ્રેડ યુનિયન કોંગ્રેસ – TUCએ હાલના ફર્લોના વિસ્તરણના માંગ કરી ઝીરો અવર કોન્ટ્રેક્ટ પર પ્રતિબંધ મૂકવા અપીલ કરી છે.

TUCના જનરલ સેક્રેટરી ફ્રાન્સિસ ઓ’ગ્રેડીએ કહ્યું હતું કે ‘’ONS દ્વારા મંગળવાર તા. 17ના રોજ પ્રકાશિત કરાયેલા રોજગારીના આંકડાઓ મુજબ છેલ્લા વર્ષમાં શ્યામ અને લઘુમતી વંશીય કામદારોનો બેરોજગારીનો દર 6.1થી વધીને 8 ટકા થઇ ગયો છે. એટલે કે તેમની બેરોજગારીમાં 31 ટકાનો વધારો થયો છે. જ્યારે શ્વેત કામદારોની બેરોજગારી 3.6થી વધીને 4 ટકા થઇ છે, એટલે કે શ્વેત લોકોની બેરોજગારી માત્ર 11 ટકા વધી છે. બીએમઇ કામદારો ઓછા પગારવાળી અને અસુરક્ષિત નોકરીઓમાં હોવાની શક્યતા વધારે છે જે ઉદ્યોગો બેરોજગારીથી ભારે પ્રભાવિત થયા છે, જેમ કે હોસ્પિટાલીટી અને રીટેઇલ.’’

તેમણે કહ્યું હતું કે“રોજગારમાં આ અસમાનતા ચાલુ રહેવા દેવાય નહિં. બેરોજગારીને રોકવા, સારી નવી નોકરીઓ ઉભી કરવા અને BME કામદારોને પાછળ રાખતા ભેદભાવને પડકારવા સરકારે નિર્ણાયક પગલાં લેવા જોઈએ. ઝીરો અવર કોન્ટ્રેક્ટ પરના લોકોની સંખ્યા એપ્રિલ-જૂન 2020માં 1.08 મિલિયનથી સહેજ ઘટીને એપ્રિલ-જૂન 2021માં 917,000 થઈ છે. આવા લોકોને તેમણે ક્યારે નોકરી પર પરત આવવાનું છે તેની જાણ હોતી જ નથી.’’