(Photo by STRDEL/AFP via Getty Images)

ઓટીટી પ્લેટફોર્મ પર ગત વર્ષે પ્રસારિત થયેલી વેબ સીરિઝ આશ્રમ માટે બોબી દેઓલને એવોર્ડ આપવામાં આવ્યો છે. મુંબઇ ખાતે રાજભવનમાં આયોજિત એક સમારંભમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ તેનું સમ્માન કર્યું હતું. આ સમારંભમાં મિલિટરીના અધિકારીઓ સહિત બોલીવૂડની ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી.

ઉલ્લેખનીય છે કે, બોબીને આ જ વેબસીરિઝ માટે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા બોબીએ જણાવ્યું હતું કે, વેબસીરિઝ ‘આશ્રમ’ માટે ૨૭મા સોલ લાયન્સ ગોલ્ડ એવોર્ડ 2021માં ઓટીટી પ્લેટફોર્મના સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે આ સમ્માન મેળવવું એ મારા માટે ગર્વની વાત છે. સીરિઝના નિર્માતાઓએ આ રોલ માટે મારામાં વિશ્વાસ મુક્યો તે માટે હું તેમનો આભાર માનું છું. બોબી અત્યારે આશ્રમની સીઝન ટુની તૈયારી કરી રહ્યો છે. આ વેબસીરિઝથી બોબીનું નસીબ બદલાયું છે અને તેની કારકિર્દી આગળ વધી છે. તે અત્યારે લવ હોસ્ટેલ, એનિમલ, પેન્ટહાઉસ અપને ટુ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.