The Kamal family (Photo: X)

અમેરિકાના મેસેચ્યુસેટ્સના ડોવર ખાતે ભારતીય મૂળના ધનિક દંપતી અને તેમની કિશોરવયની પુત્રીનો તેમના 5 મિલિયન ડોલરના વૈભવી બંગલામાં મૃતદેહો મળી આવ્યાં હતા. આ ઘટના ઘરેલું હિંસાને કારણે બની હોવાની આશંકા છે. 57 વર્ષીય રાકેશ કમલ, તેમની 54 વર્ષીય પત્ની ટીના અને 18 વર્ષની પુત્રી એરિયાનાના મૃતદેહો લગભગ સાંજે 7:30 વાગ્યે તેમના ડોવર ખાતેના બંગલામાંથી ગુરુવારે મળી આવ્યાં હતા, એમ નોર્ફોક ડિસ્ટ્રિક્ટ એટર્ની (ડીએ) માઇકલ મોરિસીએ જણાવ્યું હતું.

આ દંપતી અગાઉ એજ્યુનોવા નામની હાલમાં બંધ પડેલી એજ્યુકેશન સિસ્ટમ કંપની ચલાવતા હતાં. રાકેશ અને ટીનાએ તાજેતરમાં નાદારીની અરજી કરી હતી. તેમના બંગલાની પણ હરાજી થઈ હતી.

ડિસ્ટ્રિક્ટ એટર્નીએ આ ભયંકર દુર્ઘટનાને ઘરેલું હિંસા ગણાવી હતી. પતિના મૃતદેહ પાસે એક બંદૂક મળી આવી હતી. જોકે પરિવારના ત્રણેય સભ્યોની ગોળી મારીને હત્યા કરાઈ હતી કે નહીં અથવા તેમને કોને ગોળી મારી હતી તે અંગે કોઇ માહિતી આપી ન હતી. પોલીસે મેડિકલ રીપોર્ટની રાહ જોઇ રહી છે. દંપતીએ સામુહિક આપઘાત કર્યો કે કોઇએ હત્યા કરી તે અંગે માહિતી મળી શકી નથી. તપાસ ખૂબ જ પ્રાથમિક તબક્કામાં છે, આ સમયે ઉપલબ્ધ પુરાવાઓ કોઈ બહારના પક્ષની સંડોવણીનો સંકેત આપતા નથી, પરંતુ સૂચવે છે કે આ ઘરેલું હિંસાની ઘાતક ઘટના છે.

ઓનલાઈન રેકોર્ડ મુજબ તાજેતરના વર્ષોમાં આ દંપતીને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું જણાયું હતું. પરિવારના સભ્ય સાથે એક કે દિવસ સુધી કોઇ સંપર્ક ન થયા પછી તેમના સંબંધીઓએ ઘરમાં જઈને તપાસ કરી ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

આ પરિવારના વિશાળ બંગલાની કિંમત 54.5 લાખ ડોલરનો હોવાનો અંદાજ છે. એક વર્ષ પહેલા તેની હરાજી થઈ હતી અને તે મેસેચ્યુસેટ્સ સ્થિત વિલ્સનડેલ એસોસિએટ્સ ખરીદ્યો હતો. કમલ પરિવારે 2019માં આશરે 40 લાખ ડોલરમાં 11 બેડરૂમ ધરાવતા 19,000 ચોરસફૂટનો આ મહેલ ખરીદ્યો હતો. આ ઘટના સમયે સમગ્ર મહેલમાં એકમાત્ર આ પરિવાર રહેતો હતો.

LEAVE A REPLY

1 + 8 =