(Photo by STR/AFP via Getty Images)

અગાઉ અનેક ફિલ્મોમાં સાથે કામ કરીને કેટલાક કલાકારોની સફળ જોડીઓ બની ગઇ હતી અને દર્શકોએ તેમને ખૂબ જ પસંદ કર્યા છે. હવે આ જોડીઓ ફરીથી બોલીવૂડમાં જોવા મળશે તેવા સંજોગો ઊભા થયા છે અને તે માટે ફિલ્મોની તૈયારી પણ થઇ રહી છે.

અક્ષય કુમાર અને કેટરિના કૈફની જોડીએ અગાઉ અનેક સફળ ફિલ્મો આપી છે. હવે તેઓ હવે રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’માં ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ માટે તેમણે ટિપ ટિપ બરસા પાની…ગીત રિક્રિએટ પણ કર્યું છે. અક્ષય અને કેટરિના ‘નમસ્તે લંડન’, ‘તીસ માર ખાં’, ‘દે ધના ધન’ અને ‘વેલકમ’ સહિત અનેક ફિલ્મ્સમાં સાથે જોવા મળ્યા છે. ‘થ્રી ઇડિયટ્સ’માં આમિર અને કરીના કપૂરે પ્રથમવાર સાથે કામ કર્યું હતું. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. તેઓ ‘તલાશ’માં પણ સાથે હતા. હવે તેઓ નવી ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મ હોલિવૂડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે.

‘ઓમ શાંતિ ઓમ’થી બોલીવૂડમાં પદાર્પણ કરનાર દીપિકા પદુકોણે શાહરુખ ખાન સાથે ‘હેપ્પી ન્યૂ યર’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જેવી ચર્ચાસ્પદ ફિલ્મ કરી છે. હવે તે બંને સિદ્ધાર્થ આનંદની ‘પઠાણ’માં ફરીથી સાથે જોવા મળશે. ‘પઠાણ’માં જોન એબ્રાહમ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી બોલીવૂડમાં સુપરડુપર હિટ સાબિત થઇ છે અને તેમના અંગત જીવન વિશે પણ લોકોમાં ચર્ચા થઇ રહી છે. ‘ટાઇગર’ ફ્રેન્ચાઇઝીની બે ફિલ્મ્સમાં દર્શકોનો પ્રેમ મેળવ્યા પછી તેઓ તેના ત્રીજા ભાગમાં જોવા મળશે. તેમણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. તેઓ અગાઉ ‘યુવરાજ’, ‘મેંને પ્યાર ક્યોં કિયા’ અને ‘ભારત’ જેવી કેટલીક ફિલ્મ્સમાં જોવા મળ્યા હતા.

તો બીજી તરફ ‘રેસ 2’માં સાથે કામ કર્યા પછી જેક્લિન ફર્નાન્ડિઝ અને સૈફ અલી ખાન હવે નવી હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત પોલીસ’માં ફરીથી સાથે દેખાશે. સૈફની સાથે કામ કરવા અંગે જેક્લિને જણાવ્યું હતું કે, તે બંને ફક્ત સાથી કલાકારો જ નથી પરંતુ મિત્રો પણ છે.