બ્રિટનમાં કોરોના લોકડાઉનના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા બાદ 30 માર્ચ 2021ના રોજ લોકો સેન્ટ્રલ લંડનના સેન્ટ જેમ્સ પાર્કમાં સૂર્યના તડકાનો આનંદ માણી રહ્યાં છે. (Photo by TOLGA AKMEN/AFP via Getty Images)

ઇંગ્લેન્ડના અડધા કરતા વધુ લોકો વિશાળ રસીકરણ ઝૂંબેશ અને કુદરતી રોગપ્રતિકારક શક્તિને કારણે હવે કોવિડ સામે પ્રતિરક્ષા ધરાવે છે ત્યારે વડા પ્રધાન જોન્સન લોકડાઉનથી કંટાળી ગયેલા નાગરીકો અને બિઝનેસમેન્સ તરફથી વધૂ છૂટછાટ આપવા માટેના કોલ્સનો સામનો કરી રહ્યા છે. દેશના 30.5 મિલિયન લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. તો બીજી તરફ હોસ્પિટલમાં દાખલ થતા કોરોનાવાયરસ દર્દીઓના દર અને મૃત્યુની સંખ્યા છેલ્લા છ મહિનામાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઇ છે. સાઉથ ઇંગ્લેન્ડના 29 મિલિયન લોકોને આવરી લેતા ચાર એનએચએસ ક્ષેત્રોમાં તો રવિવારે કોઈ મોત થયું નહોતું અને સમગ્ર દેશમાં માત્ર 23 મૃત્યુ નોંધાયા હતા. સરકારે પણ રોગચાળાને નાથવા જાહેર માહિતી અભિયાન ‘હેન્ડ્ઝ, ફેસ, સ્પેસ એન્ડ ફ્રેશ એર’ આદર્યું છે.

સોમવારે રાત્રે ડાઉનિંગ સ્ટ્રીટની પ્રેસ કોન્ફરન્સમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘’ઘણા મહિનાઓથી મિત્રોને જોવા અથવા રમત રમવા માટે અસમર્થ હતા તેવા લાખો લોકો માટે તા. 29 મોટો દિવસ હતો. પરંતુ આપણે આગળનાં પગલાં માટે સાવધ રહેવું જોઈશે. પ્રતિબંધો હળવા કરાતા કેસ વધવાનું જોખમ રહેશે. યુરોપમાં વ્યાપેલું ત્રીજું મોજું અહીં પણ સંકટ લાવી શકે છે. 30 કરોડથી વધુ લોકોને રસી આપવા છતાં આપણને ખબર નથી કે આપણો બચાવ બીજા મોજા સામે કેટલો મજબૂત છે. આપણે જોઇ રહ્યા છીએ કે હાલમાં આપણા યુરોપિયન મિત્રો સાથે શું થઈ રહ્યું છે. એટલા માટે હું લોકોએ ઘણા સમયથી દાખવેલી શિસ્ત હજી પણ જાળવવાના મહત્વ પર ભાર મૂકુ છું. કુટુંબીજનો અને મિત્રોને હગ નહિં કરવા વિનંતી કરૂ છું.’’

હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકએ કહ્યું હતું કે “આપણે દરરોજ આ વાયરસનો સફાયો કરવાની નજીક જઈ રહ્યા છીએ. પરંતુ આપણે જાગ્રત રહેવું જોઈએ. યુરોપમાં વધતા જતા કેસો જોતાં વાયરસથી હજી પણ ખતરો છે.”

ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હીટીએ જણાવ્યું હતું કે ‘’લોકોના પ્રયત્નોથી અમે કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરી શક્યા છીએ પરંતુ વાયરસ હજી પણ ચલણમાં છે. પુરાવા ખૂબ સ્પષ્ટ છે કે ઘરની બહારની જગ્યાઓ સલામત છે. લોકડાઉન પ્રતિબંધો સતત હટાવવાથી કેસ વધશે તેવી વધુ સંભાવના છે.’’ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સે પણ જણાવ્યું હતું કે રસી ‘100 ટકા રક્ષણાત્મક’ ન હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે.
બીજી તરફ લોકડાઉનથી કંટાળેલા લોકોએ વર્ષના અત્યાર સુધીના સૌથી ગરમ દિવસોે માણવા પાર્કસ, દરિયા કિનારા અને મેદાનો તરફ દોટ મૂકી હતી. સમગ્ર દક્ષિણમાં તાપમાન મંગળવારે અને બુધવારે 24 સેલ્સીયસ સુધી પહોંચશે તેવી આગાહી કરાઇ હતી.