મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં સોમવારે કમલા નહેરુ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટમાં ભયાનક આગ ફાટી નીકળતા ચાર બાળકોનાં કમકમાટીભર્યા મોત થયાં હતા. (ANI Photo)

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં સોમવારે કમલા નહેરુ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટમાં ભયાનક આગ ફાટી નીકળતા ચાર બાળકોનાં કમકમાટીભર્યા મોત થયાં હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં આઈસીયુ આવેલું છે તે ત્રીજા માળે લાગેલી આગ અન્યત્ર પણ ફેલાઈ હતી. અગાઉ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આ ઘટનામાં ત્રણ બાળકોનાં મોત થયાં હોવાનું ટ્વીટર પર જણાવ્યું હતું. મુખ્યપ્રધાને ઉચ્ચ સ્તરિય તપાસના આદેશ પણ આપ્યા હતા.

મેડિકલ એજ્યુકેશન પ્રધાન વિશઅવાસ સારંગના જણાવ્યા અનુસાર, આશરે 40 બાળકો વોર્ડમાં દાખલ હતા, જેમાંથી 36 સલામત છે. જે બાળકોના મોત થયા છે તેમના વારસદારોને 4 લાખ રુપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ફતેહગઢ ફાયર સ્ટેશનના ઈનચાર્જ જુબેર ખાનના જણાવ્યા અનુસાર, રાત્રે 9 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડને આગનો કોલ મળ્યો હતો. હોસ્પિટલ પર 10 ફાયર ટેન્ડરને રવાના કરવામાં આવ્યા હતા.

આગ લાગવાના કારણે ધૂમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી હોસ્પિટલમાં દાખલ બાળકોના સંબંધીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. તેઓ બાળકોને બચાવવા માટે આમથી તેમ હવાતિયા મારી રહ્યા હતા, જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેવામાં સિક્યોરિટી સ્ટાફે લોકોને બહાર કાઢવાનું શરુ કરતાં તેમનામાં રોષ ફાટી નીકળ્યો હતો. બાળકોના સંબંધીઓની માગ હતી કે તેમને હોસ્પિટલની અંદર જઈ તેમનું બાળક સલામત છે કે નહીં તે જોવા દેવામાં આવે. આગ પર મધરાત સુધીમાં કાબૂ મેળવી લેવાયો હતો.