. (Photo by Chris J Ratcliffe/Getty Images)

ખૂબજ નાની વયે વિમ્બલ્ડન ટાઈટલ વિજેતા બનેલા જર્મનીના નામાંકિત ટેનિસ ખેલાડી બોરિસ બેકરને નાદારીની કાનૂની પ્રકિયામાં છેતરપિંડી કરવા, પોતાની મિલકતો છુપાવવા બદલ લંડનની એક કોર્ટે અઢી વર્ષની જેલની સજા ફરમાવી છે. બેકરે નાદારી નોંધાવતી વખતે પોતાની કેટલિક મિલકતો જાહેર કરી નહોતી અને 2017માં તેને નાદાર જાહેર કરાયો એ પછી તેણે જંગી રકમના નાણાંકિય વ્યવહારો કરતાં કોર્ટે તેને અઢી વર્ષની કેદની સજા કરી હતી. બોરિસ બેકરે જો કે તેમાંથી અડધી જ સજા ભોગવવાની રહેશે.

આ કેસમાં તેને સાત વર્ષની જેલની સજા થઈ શકે તેમ હતી, પણ લંડનની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટના જજ ડેબોરાહ ટેલર બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી બેકરને અઢી વર્ષની સજા કરી હતી.

૫૪ વર્ષનો જર્મન ટેનિસ ખેલાડી બોરિસ બેકર પાંચ કરોડ પાઉન્ડ (આશરે ૪૮૧ કરોડ રૃપિયા)નું દેવું ચુકવી શકે તેમ નહીં હોવાથી તેને જુન,૨૦૧૭માં નાદાર જાહેર કરાયો હતો. પણ નાદાર જાહેર થયા પછી બેકરે તેના બિઝનેસ એકાઉન્ટમાંથી તેની ભૂતપૂર્વ પત્ની બાર્બરા બેકર તથા હાલમાં તેનાથી અલગ રહેતી પત્ની શર્લી લીલી બેકર સહિતના કેટલાક અન્ય લોકોના એકાઉન્ટમાં ૩.૯૦ લાખ પાઉન્ડ (આશરે ૪ કરોડ રૃપિયા) ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત તેણે તેની અન્ય સંપત્તિ પણ છુપાવી હતી. તેણે બે વિમ્બલ્ડન ટ્રોફી અને ઓલિમ્પિક મેડલ પણ નાદાર થયો ત્યારે છુપાવી રાખ્યા હતા.

બેકરે એક આલિશાન એસ્ટેટ માટે 30 લાખ પાઉન્ડથી વધુનું દેવું ચુકવ્યું નહોતું. તે માસિક 22 હજાર પાઉન્ડના ભાડાના મકાનમાં રહે છે એનું ભાડુ પણ વર્ષોથી તેણે ચૂકવ્યું નથી. સ્વીસ સરકારનું તેના ઉપર 51 લાખ ડોલરનું લેણું છે.

જર્મનીમાં તેણે 10 લાખ યુરોનો ટેકસ 20 વર્ષથી ચુકવવાનો બાકી છે. એક સમયના ટેનિસના નંબર વન ખેલાડીએ ઇનામો અને 5 કરોડ અમેરિકી ડોલરની રકમ પત્નીઓ સાથે છુટાછેડા લેવામાં અને મોંઘી જીવનશૈલીના કારણે ખર્ચાઇ ગઇ  હોવાનો એકરાર કર્યો હતો.

તેનો કારર્કિદીનો સિતારો બુલંદી પર હતો ત્યારે તેણે અનેક કંપનીઓના એન્ડોર્સમેન્ટ અને બ્રાંડ એમ્બેસેડર બની તેણે કરોડો ડોલર મેળવ્યા હતા પરંતુ 1999માં નિવૃતિ લીધા પછી આવક સતત ઘટતી ગઇ હતી. બેકરે માત્ર 17 વર્ષની ઉંમરે વિમ્બલ્ડનનું સિંગલ્સનું ટાઇટલ જીતવાનો રેકોર્ડ કર્યો હતો. તે નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચના કોચ પણ રહી ચૂકયો છે.