(Photo by ISABEL INFANTES/AFP via Getty Images)

બ્રિટનના સંકટગ્રસ્ત વડા પ્રધાન બોરિસ જૉન્સન “પાર્ટીગેટ” કૌભાંડો બાદ હવે ડાઉનિંગ સ્ટ્રીટના કેબિનેટ રૂમમાં યોજાયેલી બર્થ ડે પાર્ટીના નવા આરોપોનો સામનો કરી રહ્યા છે. પ્રથમ કોવિડ લોકડાઉન દરમિયાન તેમની તત્કાલીન મંગેતર અને હવે પત્ની કેરી સાયમન્ડ્સ દ્વારા યોજાયેલી સરપ્રાઇઝ બર્થ ડે કેક “પાર્ટી”ની વિગતો બહાર આવી છે.

ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જૉન્સન, 19 જૂન, 2020ના રોજ 56 વર્ષના થયા હતા. એક મીટિંગ પછી નંબર 10 માં કામ કરતા કર્મચારીઓનું એક જૂથ કેબિનેટ રૂમમાં થોડા સમય માટે એકત્ર થયું હતું. જ્યાં તેઓ 10 મિનિટથી ઓછા સમય માટે રોકાયા હતા.”

તે સમયે કડક લોકડાઉન નિયમોમાં ઇન્ડોર મેળાવડામાં બે કરતા વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ‘ITV ન્યૂઝ’ના અહેવાલ મુજબ 30 લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને હેપ્પી બર્થ ડે ગીત ગાઇ કેક પીરસવામાં આવી હતી.

ITV રિપોર્ટમાં દાવો કરાયો છે કે તે જ સાંજે, નિયમોનો સ્પષ્ટ ભંગ કરી કૌટુંબિક મિત્રોને વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં ઉપરના માળે બોલાવાયા હતા. જો કે, નંબર 10એ તે દાવાને નકારી કાઢ્યો હતો

બેકબેન્ચર સાંસદોમાં બળવો સતત વધી રહ્યો છે ત્યારે સંખ્યાબંધ મિનિસ્ટર્સે તેમના બચાવમાં વાત કરી હતી. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શૅપ્સે ‘સ્કાય ન્યૂઝ’ને જણાવ્યું હતું કે, “વડાપ્રધાનને વહેલી સવારે કેક આપવામાં આવી હતી. જ્યારે તેઓ ઓફિસે પાછો આવ્યા ત્યારે સ્ટાફે કેક આપી હતી. આ સ્ટાફ આખો દિવસ તેમની સાથે કામ કરે છે. ઘણી વખત તો તેમની સાથે એક જ રૂમમાં કામ કરતા હશે. મને લાગે છે કે તે 10 મિનિટ સુધી ચાલ્યું હશે. આખરે કેબિનેટ ઓફિસની તપાસનું નેતૃત્વ કરતા વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રે એ નક્કી કરવાનું છે.’’  બીબીસીના અહેવાલ અનુસાર, સ્યુ ગ્રેને જન્મદિવસ વિશે પહેલેથી જ જાણ હતી.

કલ્ચર સેક્રેટરી નેડિન ડોરીસે ટ્વીટમાં કહ્યું હતું કે “ઓફિસમાં લોકો બપોરના સમયે આવા પ્રસંગે અન્ય વ્યક્તિ માટે કેક ખરીદે છે, 10 મિનિટ રોકાઈને જન્મદિવસની શુભકામનાઓ આપી તેમના ડેસ્ક પર પાછા જાય છે. આ હવે પાર્ટી કહેવાય?”

વિપક્ષી લેબર નેતા, સર કેર સ્ટાર્મરે, તાજેતરના ઘટસ્ફોટના પગલે બોરિસ જૉન્સનને રાજીનામું આપવા જણાવ્યું હતું.