Prime Minister Boris Johnson comes out at 10 Downing Street (Photo by DANIEL LEAL-OLIVAS / AFP) (Photo credit should read DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)

રવિવારે રાતથી લંડનના વેસ્ટ મિન્સ્ટર સ્થિત સેન્ટ થોમસ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના કોરોના વાઈરસના લક્ષણો વધુ વણસી જતા તેમને સોમવારે સાંજે સાત કલાકે આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. માત્ર બે કલાકમાં જ તેમની તબિયત બગડ્યા પછી ઓક્સિજન આપવામાં આવ્યો હતો. જ્હોન્સન હજૂ સભાન છે અને અત્યારે તેમને વેન્ટિલેટરની જરૂર નથી. 10 દિવસ પહેલા બિમાર પડેલા 55 વર્ષના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારે હોસ્પિટલમાંથી કરેલા એક ટ્વીટમાં કહ્યું હતુ કે તેમની હાલત સારી છે. વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું હતું કે તેઓ હજી પણ ‘નિરીક્ષણ હેઠળ છે’, જો કે, તેમને ન્યૂમોનિયા હોવાનું નિદાન થયું છે કે કેમ તે કહેવાનો ઇનકાર કર્યો હતો.
તેમના ડેપ્યુટી તરીકે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને દેશના કાર્યવાહક વડાપ્રધાન તરીકેની જવાબદારી જ્હોન્સને સોંપી છે અને ‘જ્યાં જરૂરી હોય ત્યાં’ તેઓ આદેશ આપી શકશે.
કેબિનેટ ઓફિસ મિનીસ્ટર માઇકલ ગોવે જાહેર કર્યું કે ફોરેન સેક્રેટરી હાલમાં કોરોના વાઈરસ સામેની લડતનું દેશ વતી નેતૃત્વ કરશે. ગયા મહિને વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘મિસ્ટર જ્હોન્સનનુ સ્વાસ્થ્ય સારૂ નહીં હોય અને તેઓ કામ કરવામાં અસમર્થ હશે તો સેક્રેટરી ઓફ ધ સ્ટેટ તરીકે ડોમિનીક રાબ વહીવટ સંભાળશે. ડોમિનીક રાબે, કામચલાઉ ચાર્જ લીધા પછી કહ્યું હતુ કે, ‘’સરકારની અંદરની “ટીમ સ્પિરિટ”થી રોગચાળા સામેનો જંગ આગળ ધપાવવાની વડાપ્રધાનની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સરકારનુ કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. વડા પ્રધાન સેન્ટ થોમસ હોસ્પિટલમાં તબીબોની તેજસ્વી ટીમના હાથમાં સલામત છે.’’
વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘તેમણે આરામદાયક રીતે રાત વિતાવી હતી. સોમવારે બપોરે વડા પ્રધાનની હાલત કથળી હતી. તેઓ ઉત્તમ સંભાળ મેળવી રહ્યાં છે, તમામ એનએચએસ સ્ટાફની મહેનત અને સમર્પણ બદલ આભાર.”
મહારાણીને નંબર 10 દ્વારા જ્હોન્સનની તબિયત વિશે માહિતગાર રાખવામાં આવ્યા છે. લેબર નેતા સર કૈર સ્ટારમરે આને “ભયંકર દુખખદ સમાચાર” ગણાવી આ અવિશ્વસનીય મુશ્કેલ સમયે દેશના તમામ લોકોની લાગણી વડા પ્રધાન અને તેમના પરિવાર સાથે છે” એમ જણાવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે ‘’અમેરિકનો તેમની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ મારા એક ખૂબ જ સારા મિત્ર છે અને આપણા રાષ્ટ્રના પણ મિત્ર છે. તેઓ મજબૂત છે અને હાર માને તેવા નથી”.
કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઇકલ ગોવે જણાવ્યુ હતુ કે ‘’તેમની ઇન્ટેન્સીવ કેરની લડાઇ ખરેખર ભયાનક છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ ઝડપથી રીકવરી કરે. તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. વડા પ્રધાન હંમેશાં વડા પ્રધાન રહે છે. સરકારમાં એક મહાન ટીમ ભાવના છે અને અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ. રાષ્ટ્રીય સુરક્ષા બાબતો અંગે કોઈ ટીપ્પણી કરી શકાશે નહીં. લોકડાઉન અંગેના કોઈપણ નિર્ણયો યોગ્ય સલાહ મુજબ સામૂહિક ધોરણે લેવામાં આવશે.’’
દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે મિસ્ટર જ્હોન્સનની કોરોના વાઈરસની સારવાર માટે પ્રાયોગિક દવાઓ મોકલવાની ઓફર કરી હતી. ટ્રમ્પે બે અગ્રણી કંપનીઓને તરત જ લંડનનો સંપર્ક કરવા કહ્યું હતુ. ‘’અમે બોરિસના બધા ડોકટરોનો સંપર્ક કર્યો છે, અને અમે શું કરી શકીએ તે જોઇશું.’’