(Photo by Rob Pinney/Getty Images)

વડા પ્રધાન બોરિસ જોન્સન તેમની વાગ્દત્તા તેમજ તેમના દિકરાની માતા કેરી સાયમંડ્સ સાથે આગામી 30 જુલાઇ 2022ના રોજ લગ્નગ્રંથીથી બંધાશે અને તેમણે લગ્ન માટે મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપી તારીખ સાચવી (સેવ-ધ-ડેટ કાર્ડ) રાખવા જણાવ્યું છે. આ લગ્ન ક્યાં યોજાશે તે જાહેર થયું નથી પણ દંપતીના મિત્રો દાવો કરે છે કે તેઓ ચેકર્સ ખાતે કે કેન્ટના રીસોર્ટમાં આવતા વર્ષે મોટા પ્રસંગનું આયોજન કરશે.

56 વર્ષીય બોરિસ અને કેરીએ ફેબ્રુઆરી 2020માં સગાઇની વાત જાહેર કરી ટુંક સમયમાં જ લગ્ન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ સમય ગાળો અઢી વર્ષ જેટલો લાંબો થયો હતો. જોન્સન અને શ્રીમતી સાયમન્ડ્સ ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેનારા પ્રથમ અપરિણીત દંપતી છે અને તેમણે જુલાઈ 2019 દરમિયાન સ્થળાંતર કર્યું હતું. તેમણે નંબર 10 પરના નાના બે-બેડરૂમના આધિકારીક નિવાસસ્થાનને બદલે નંબર 11 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના મોટા ચાર બેડરૂમના ફ્લેટમાં રહેવાનું પસંદ કર્યું છે.

જોન્સનના પ્રથમ લગ્ન 1987માં એલેગ્રા મોસ્ટીન ઓવેન સાથે થયા હતા. પરંતુ બંને 1993માં છૂટા થઇ ગયા હતા. ત્યાર બાદ બોરિસે ભારતીય માતાની દિકરી અને બેરિસ્ટર મરિના વ્હીલર સાથે 1993માં જ લગ્ન કર્યા હતા જે દામ્પત્ય જીવન 17 વર્ષ ટક્યું હતું અને તેમણે 2020માં ડાયવોર્સ લીધા હતા. જેમને બે દિકરા અને બે દિકરી છે. 19 જુન 1964માં અમેરિકાના ન્યુયોર્કમાં જન્મેલા જોન્સનને અગાઉના લગ્નો અને સંબંધોથી 5 અન્ય સંતાનો હોવાનું કહેવાય છે.

બોરિસનાં ત્રીજા ભાવિ પત્ની કેરી સાયમન્ડસ લંડનના ‘ઇન્ડિપેન્ડેન્ટ અખબારના સ્થાપકો પૈકીના એક મેથ્યુ સાયમન્ડ્સ અને અખબારનાં જ વકીલ જોસેફિના મેકફીની પુત્રી છે. કેરી સાઉથ વેસ્ટ લંડનમાં ઉછર્યાં છે અને વોરીક યુનિવર્સિટીમાંથી આર્ટ્સ, હિસ્ટ્રી અને થિયેટરનો અભ્યાસ કર્યો છે. તેમણે રાજકારણમાં પોતાનું કરિયર રિચમન્ડ પાર્ક અને નોર્થ કિંગ્સ્ટનના સાંસદ ઝેક ગોલ્ડસ્મિથ સાથે કામ કરતા શરૂ થયું હતું.

કેરીએ કન્ઝર્વેટિવ પાર્ટીમાં 2010માં એક પ્રેસ અધિકારી તરીકે જોડાયાં બાદ બોરિસના લંડનના મેયરને કેમ્પેઇનમાં કામ કર્યું હતું. તેમણે પૂર્વ ચન્સેલર સાજિદ જાવેદ સાથે મીડિયા વિશેષ સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું. તેઓ થોડા વર્ષો બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના કોમ્યુનિકેશન ચેર બન્યા હતા. બોરિસ અને કેરીના દિકરાનું નામ વિલ્ફ્રેડ નિકોલસ છે.