ભારત બાયોટેકની કોરોના વેક્સીન કોવેક્સિના 20 મિલિયન ડોઝની ખરીદી કરવાનો કોન્ટ્રાક્ટ આપનારા બ્રાઝિલે આ કરારમાં ગેરરીતિના આક્ષેપોને પગલે તેને સસ્પેન્ડ કરવાની બુધવારે જાહેરાત કરી હતી.

બ્રાઝિલના આરોગ્ય પ્રધાન માર્સેલો ક્વીરોગાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સીજીયુના પ્રાથમિક વિશ્લેષણ મુજબ આ કોન્ટ્રાક્ટમાં કોઇ ગેરરીતિ થઈ નથી, પરંતુ નિયમ પાલનમાં સાવચેતી માટે મંત્રાલયે વધુ તપાસ માટે આ કોન્ટ્રાક્ટને સસ્પેન્ડ કરે છે.

સાઉથ અમેરિકાના આ દેશના એટર્ની જનરલે કરાર અંગે કથિત તપાસ ચાલુ કર્યા બાદ કોવેક્સીન કરાર અંગે વિવાદ ઊભો થયો હતો. આરોગ્ય મંત્રાલયે બીજા ટ્વીટમાં જણાવ્યું હતું કે બ્રાઝિલ સરકારે કોવેક્સીન વેક્સીન માટે કોઇ ચુકવણી કરી નથી. આ પગલાંથી બ્રાઝિલમાં કોરોના સામેના રસીકરણની ગતિને અસર થશે નહીં.

વ્હિસલ્સબ્લોઅર્સે 34 મિલિયન ડોલરના આ કરારમાં ગેરરીતિના આક્ષેપ કર્યા બાદ કોવેક્સીન કરાર બ્રાઝિલના પ્રેસિડન્ટ બોલસોનારો માટે મુશ્કલી ઊભી કરી રહ્યો છે. ઊંચા ભાવ (ડોઝ દીઠ આશરે 15 ડોલર), ત્વરિત મંત્રણા અને નિયમનકારી મંજૂરીનો અભાવ જેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ કરારની તપાસ ચાલુ થઈ હતી.

ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ નિયમનકારી મંજૂરી અને સપ્લાય કોન્ટ્રાક્ટ  માટે સ્ટેપ-બાય સ્ટેપ અભિગમનું પાલન કર્યું છે અને બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય પાસેથી કોઇ એડવાન્સ પેમેન્ટ લીધું નથી. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત બહારની સરકારો માટે કોવેક્સીનનો ભાવ ડોઝ દીઠ 15થી 20 ડોલર નક્કી કરવામાં આવેલો છે.