નવેમ્બર સુધી કોર આઇટી સિસ્ટમનું પરીક્ષણ થવાનું શક્ય નથી તેથી વર્ષની શરૂઆતમાં કેન્ટમાં એ-20 રોડ પર 7,000 જેટલી લૉરીઝની કતાર લાગી શકે છે અને સૌથી ખરાબ સ્થિતિમાં, એચ.જી.વી. વાહનોની ‘કતારોને આગળ પહોંચવામાં બે દિવસનો સમય’ લાગી શકે છે.

બોર્ડર એન્ડ પ્રોટોકૉલ ડિલિવરી ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલ એક રિપોર્ટમાં આગાહી કરાઇ છે કે હજારો મુસાફરોને યુરોસ્ટાર ટ્રેનો માટે વધુ બે કલાક રાહ જોવાની ફરજ પડી શકે છે. યુકે યુરોપિયન યુનિયન સાથે વેપાર કરાર કરે છે કે નહીં તે જુદી બાબત છે પણ તા. 1 જાન્યુઆરીએ યુકે કસ્ટમ્સ યુનિયન અને સિંગલ માર્કેટ છોડ્યા બાદ તેની સરહદો પર વિક્ષેપ આવી શકે છે.

ગાર્ડિયન દૈનિક દ્વારા જોવામાં આવેલ 46-પાનાનો દસ્તાવેજ માઈકલ ગોવની અધ્યક્ષતામાં એક્સઓ (એક્ઝિટ ઑપરેશન) સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે તે 100 આઈટી સિસ્ટમ્સનો ઉપયોગ કરીને 26 સરકારી વિભાગોને અસર કરે છે તેમજ કેટલાક વિભાગો કાયદેસર રીતે માહિતી અન્ય સાથે વહેંચી શકતા નથી.

આગાહી કરાઇ છે કે 50થી 70% મોટા અને 20-40% જેટલા નાના બિઝનેસીસ સરહદ પારના વેપાર માટે તૈયાર હશે. આ અહેવાલમાં દેશભરમાં લૉરી પાર્કની યોજનાઓ નક્કી કરવા અને તેને જાહેર કરવા માટે સરકાર પર દબાણ છે. કેન્ટમાં એશફોર્ડમાં અત્યાર સુધીમાં ફક્ત એકની જ પુષ્ટિ કરાઇ છે.