શક્ય પ્રતિકૂળ આડઅસરોની તાત્કાલિક તપાસ માટે થોડોક સમય માટે થોભાવ્યા પછી ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંભવિત કોરોનાવાયરસ રસીના પરીક્ષણો  સેફ્ટી વોચડોગ્સથી લીલીઝંડી મળ્યા બાદ એસ્ટ્રાઝેનેકા દ્વારા બ્રિટિશ ક્લિનિકલ ટ્રાયલ્સ ફરીથી શરૂ કર્યા છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે કામ કરતા બ્રિટીશ દવા ઉત્પાદક એસ્ટ્રાજેનેકાએ બ્રિટિશ મહિલા વોલંટીયર્સે કરોડરજ્જુને અસર કરતી બીમારી ટ્રાંસ્વર્સ મેલિટીસ (ટીએમ)ના લક્ષણો બતાવ્યા પછી ટ્રાયલ અટકાવ્યા હતા. તે મહિલાને ટી.એમ. હોવાની શંકા હતી પરંતુ નિદાનની પુષ્ટિ થઈ ન હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શહેરની ચર્ચિલ હોસ્પિટલમાં ઉમેદવારની આડઅસરોની સ્વતંત્ર સમીક્ષા કરવામાં આવશે.

સલામતી સમીક્ષાકારોએ બ્રિટનની મેડિસીન્સ હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટી (એમએચઆરએ)ને ભલામણ કરી હતી કે રસીના બ્રિટિશ ટ્રાયલ ફરીથી શરૂ કરવા સલામત છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ કહ્યું હતું કે એક વખત ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલની પરવાનગી મળ્યા બાદ તેઓ તેનો ટ્રાયલ ફરી શરૂ કરાશે. રોગચાળાને કારણે 900,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને વૈશ્વિક આર્થિક ઉથલપાથલ સર્જાઇ છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ એસ્ટ્રાઝેનેકાને સૌથી આશાસ્પદ રસી નિર્માતા તરાકે જાહેર કરી હતી. આ રસી યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં મોડા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે અને જાપાન અને રશિયામાં વધારાના અજમાયશની યોજના છે.

એસ્ટ્રાઝેનેકાના ચીફ એક્ઝિક્યુટિવ, પાસ્કલ સોરીઓટે આ પગલાંને “હંગામી વિરામ” તરીકે વર્ણવી નિષ્ણાતોની સ્વતંત્ર સમિતિ તપાસ કરશે એમ જણાવ્યું હતું. કોરોનાવાયરસ રસી બનાવવાની દોડમાં જોડાયેલા યુકે, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આના કારણે મોટો ઝટકો લાગ્યો હતો. ટીએમ વાયરલ ચેપને લીધે થઈ શકે છે, જે પીડા, સ્નાયુઓની નબળાઇ અને સુન્ન તરફ દોરી જાય છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીને કોરોનાવાયરસની રસી બનાવવાની વૈશ્વિક રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે અને ગત જુલાઈમાં એક વોલંટીયરને શંકાસ્પદ ગંભીર આડઅસર જોવા મળતા નોંધણી અટકાવી દેવામાં આવી હતી. તે વખતે સહભાગીને મલ્ટીપલ સ્ક્લેરોસિસ થયું હોવાનું નિદાન થયું હતું જેની એસ્ટ્રાઝેનેકાએ પુષ્ટિ આપી હતી કે તે આડઅસર રસીથી સંબંધિત નથી.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે એલબીસી રેડિયોને જણાવ્યું હતું કે, ’’આ તકલીફથી પ્રોજેક્ટ પાછો પડશે નહિ. જે રસીના વિકાસનો સામાન્ય ભાગ છે. જો કોઈ સમસ્યા આવે તો સિસ્ટમને થોભાવવામાં આવે છે. રસી સલામત નહિં હોય તો અમે આગળ વધીશું નહિં.”

વપરાશ માટે રસીઓને મંજૂરી આપતી યુકેની સંસ્થા મેડિસીન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીએ કહ્યું કે તે ઓક્સફર્ડની ટીમ સાથે કામ કરી રહી છે.