તસવીર સૌજન્ય: એન્ડ્ર્યુ પારસન્સ - 10 ડાઉનીંગ સ્ટ્રીટ

બ્રિટિશ પીએમ બોરિસ જોનસને દેશમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે ત્રણ સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. લોકોની અવરજવર માટે ઓછામાં આછા ત્રણ સપ્તાહ માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે. કોરોના વાઈરસના લીધે બ્રિટનમાં 335 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સોમવારે સાંજે ટીવી પર દેશને સંબોધન કરતા બોરિસ જોનસન કહ્યું હતું કે વડાપ્રધાન પોતાના લોકો ઉપર આ રીતે દબાણ કરવા માંગતા નથી, પરંતુ એવી સ્થિતિનું નિર્માણ જ થયું છે કે તેઓ લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવા અને બેથી વધારે લોકોને ભેગા થવા ઉપર કાર્યવાહી કરવા મજબૂર છે.

લોકોને ખૂબ જ જરૂરી સામાન માટે જ બહાર નિકળવાની સલાહ આપતા તેમણે કહ્યું હતું કે તમે ઘરમાં જ રહો. પ્રતિબંધ દરમિયાન આવસ્યક વસ્તુ, મેડીકલ સેવા, જરૂરીયાતવાળા લોકોની મદદ માટે બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવશે.વધુમાં કહ્યું કે તમારે મિત્રોની મુલાકાત ન લેવી. તમે મિત્રોને બોલાવતા હશો તો તેમારે તેને પણ ના પાડવી પડશે. જે વ્યક્તિ તમારા પરિવારની નથી તેઓ સાથે મુલાકાત કરવાની નથી. આ નિયમોનું પાલન નહીં કરે તેઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

બોરિસ જોનસને તેના ટ્વિટર એકાઉન્ટ પર #StayHomeSaveLives ટેગ સાથે પણ સંદેશ લખ્યો છે. બ્રિટનમાં એ વાતની જાહેરાત કરવામાં આવી છે કે જો પ્રધાનમંત્રી બોરિસ જોનસન કોરોના વાઈરસનો શિકાર બનશે જો વિદેશ મંત્રી ડોમિનિક રાબ બ્રિટનની સરકારની જવાબદારી સંભાળશે. કોરોના વાઈરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરાઈ છે.

બ્રિટનમાં કોરોના વાઈરસથી મરનાર લોકોની સંખ્યા 335 થઈ ગઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 967 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6650 થઈ ગઈ છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 83945 લોકોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જેમાં 77295 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.