પંજાબના લુધિયાણાની એક કોર્ટે સુખદેવ સિંઘ (68) અને તેમનાં પત્ની ગુરમીત કૌર (65)ની 4 મે, 2022ના રોજ તેમના ઘરે હત્યા કરવા બદલ યુકેના નાગરિક ચરણજીત સિંઘ (39)ને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસની વિગતો મુજબ મૃતક દંપતીની પુત્રી રૂપિન્દર કૌરના નિવેદનના આધારે 4 મે, 2022ના રોજ લુધિયાણાના સરાભા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીને દોષિત સાબિત કરવા માટે પ્રોસીક્યુસન દ્વારા ૧૩ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.
પ્રોસીક્યુશન કેસ અનુસાર, લંડનમાં જન્મેલા અને ઉછરેલા અને સ્થાનિક ગિલ્ડહોલ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ ચરણજીત સિંઘને વૃદ્ધ દંપતી સાથે અણબનાવ હતો, અને તેણે આરોપ મુક્યો હતો કે, આ દંપતી તેની બહેન સનપ્રીત કૌર પર અત્યાચાર ગુજારતું હતું. સનપ્રીતના લગ્ન દંપતીના પુત્ર જગમોહન સિંઘ સાથે થયા છે અને તે તેની સાથે સ્કોટલેન્ડના એડિનબર્ગમાં રહે છે. પોલીસે જણાવ્યું હતું કે, આ વૃદ્ધ દંપતી એક અઠવાડિયામાં તેમના પુત્ર સાથે રહેવા માટે સ્કોટલેન્ડ આવવાનું હતું. પોલીસના દાવા મુજબ, આથી ચરણજીતને ડર હતો કે જો તેઓ એડિનબર્ગ આવશે તો તેઓ તેની બહેનને ફરીથી પરેશાન કરશે.













