પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી (PTI Photo)

બીએસસેફના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના નિર્ણય અંગે કેન્દ્ર સરકાર સામે પ્રહાર ચાલુ રાખતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે આ નિર્ણયનો ઇરાદો લોકોનું દમન કરવાનો છે.
તેમણે જણાવ્યું હતું કે સીમા સુરક્ષા દળ તેમની ફરજ બજાવે તે સન્માનજનક છે, પરંતુ તેઓ BSFના કાર્યક્ષેત્રમાં વધારો કરવાના નિર્ણય પાછળના ઇરાદાની નિંદા કરે છે.

ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે BSF ધારામાં સુધારો કર્યો છે તથા પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામમાં આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિમી દૂર સુધીના વિસ્તારમાં બીએસએફને સર્ચ, જપ્તી અને ધરપકડ કરવાની સત્તા આપી છે. અગાઉ BSF આંતરરાષ્ટ્રીય સરહદના 15 કિમીના દાયરામાં આવી કાર્યવાહી કરી શકતું હતું.

દાર્લિજિંગ અને કલિમપોંગ જિલ્લાઓની વહીવટી બેઠક દરમિયાન મમતાએ જણાવ્યું હતું કે BSFના અધિકાર ક્ષેત્રમાં વધારો કરવાના બહાને લોકોનું દમન થશે. આવું કરવાની કોઇ જરૂર નથી. BSFને એફઆઇઆર દાખલ કરવાની પણ કોઇ સત્તા નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરહદ પરના આ રાજ્યમાં કોઇ જગ્યાએ કોઇ સમસ્યા નથી. પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશકે આ મુદ્દે BSFના ઇન્સ્પેક્ટર જનરલ સાથે વિચારવિમર્શ કર્યો છે. બેનરજીએ જણાવ્યું હતું કે અમે શાંતિપૂર્ણ વાતાવરણમાં જીવી રહ્યાં છીએ. મે આ મુદ્દે વડાપ્રધાન મોદીને પણ પત્ર લખ્યો છે.
સોમવારે પણ મમતા બેનરજીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયની ટીકા કરતાં જણાવ્યું હતું કે દેશના સંઘિય માળખામાં હસ્તક્ષેપ કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે.