(ANI Photo/IPL Twitter)

આ વર્ષે આઈપીએલમાં મુકાબલો રસપ્રદ બની રહ્યો છે. લીગમાં નવી જ સામેલ થયેલી ગુજરાત ટાઈટન્સ અત્યારસુધીની ગેમ્સમાં તો પોઈન્ટ્સ ટેબલમાં ટોપ ઉપર છે, તો ધૂરંધર ગણાતી ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તળિયે છે. મુંબઈ માટે તો સ્થિતિ એવી છે કે પ્લે ઓફમાં પહોંચવું હવે લગભગ શક્ય નથી રહ્યું, તે તમામ છ મેચમાં પરાજય અને શૂન્ય પોઈન્ટ સાથે 10 ટીમ્સના ટેબલમાં તળિયે છે, તો ચેન્નઈની સ્થિતિ તેના કરતાં સ્હેજ સારી હોવા છતાં એ પણ છ મેચમાંથી ફક્ત એક વિજય અને બે પોઈન્ટ સાથે 9મા ક્રમે છે.

સોમવારે (18 એપ્રિલ) રમાયેલા એક રોમાંચક જંગમાં કોલકાતાએ 218 રનના ખૂબજ કપરા ટાર્ગેટનો શાનદાર ચેઝ કર્યો, પણ આખરે રાજસ્થાન તરફથી છેલ્લી ઓવરમાં ઓબેદ મેકકોયે કોલકાતાના બરાબર થાપ આપી બે વિકેટ ખેરવતાં રાજસ્થાનનો 7 રને, ફક્ત બે બોલ બાકી હતા ત્યારે રોમાંચક વિજય થયો હતો.

કોલકાતાએ ટોસ જીતી રાજસ્થાનને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. જો કે, તેનો આ જુગાર સફળ થયો નહોતો, જોસ બટલરે 61 બોલમાં 103 રન (9 ચોગ્ગા, 5 છગ્ગા) કર્યા હતા અને પડીક્કલ (24 રન) સાથે ઓપનિંગ ભાગીદારીમાં 58 બોલમાં 97 રન કર્યા હતા. એ પછી સુકાની સંજુ સેમસને 38 અને હેટમેયરે 26 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો. એકંદરે, રાજસ્થાન રોયલ્સે પાંચ વિકેટે 217 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો.

કોલકાતાએ છ બોલર અજમાવવા પડ્યા હતા અને પેટ કમિન્સ ચાર ઓવરમાં 50 રન આપી મોંઘો સાબિત થયો હતો. વરૂણ ચક્રવર્તીએ તો બે ઓવરમાં 30 રન આપ્યા હતા, જ્યારે આન્દ્રે રસેલે બે ઓવરમાં 29 રન આપ્યા હતા.
જવાબમાં કોલકાતાએ પણ ધમાકેદાર બેટિંગ સાથે ટાર્ગેટ હાંસલ કરવા ભરપૂર પ્રયાસો કર્યા હતા. ઓપનર સુનિલ નરિન પહેલા જ બોલે રનઆઉટ થયા પછી એરોન ફિંચ અને સુકાની શ્રેયસ ઐયરે બીજી વિકેટની ભાગીદારીમાં 107 રન કર્યા હતા. ફિંચે 28 બોલમાં 58 અને શ્રેયસ ઐયરે 51 બોલમાં 85 રન કર્યા હતા. પણ ઐયર છઠ્ઠી વિકેટરૂપે આઉટ થયો તે તબક્કો યાદગાર બન્યો હતો. ચહલે તે પછી નવા આવેલા બે બેટ્સમેનને ઉપરાઉપરી આઉટ કરી ઈપીએલમાં પોતાની પહેલી અને લીગની 21 હેટટ્રિક લીધી હતી. આ રીતે, 17 ઓવરના અંતે કોલકાતાના 8 વિકેટે 180 થયા હતા અને છેલ્લી ત્રણ ઓવરમાં તેને 38 રન કરવાના હતા. અને પછી ઓબેદ મેકકોયે છેલ્લી ઓવરમાં બે વિકેટ ખેરવી રાજસ્થાને રોમાંચક વિજય અપાવ્યો હતો. ચહલને ચાર ઓવરમાં 40 રન આપી હેટટ્રિક સહિત પાંચ વિકેટ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.