નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે રવિવાર 25 મેએ જણાવ્યું છે કે જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. ૨૦૨૪ સુધી ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હતું. વિશ્વમાં હવે માત્ર અમેરિકા, ચીન અને જર્મનીના અર્થતંત્રો ભારત કરતાં મોટા છે.
IMFના ડેટાનો ઉલ્લેખ કરી સુબ્રમણ્યમે કહ્યું હતું કે આજે ભારત જાપાન કરતા મોટું છે. 2024 સુધી ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતા મોટા છે, અને જો આપણે જે આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે વિચારવામાં આવી રહ્યું છે તેને વળગી રહીશું, તો 2.5-3 વર્ષમાં, આપણે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ એપ્રિલમાં પ્રકાશિત થયેલા તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (WEO) રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારત 2025માં 4.19 ટ્રિલિયન ડોલરના GDP સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનવાની ધારણા છે, જે જાપાનથી આગળ છે. 2025 (FY26) માટે ભારતનો નોમિનલ GDP 4.187 બિલિયન ડોલર રહેવાની ધારણા છે.
IMFના ડેટા અનુસાર, ભારતની માથાદીઠ આવક 2013-14માં 1,438 ડોલરથી બમણી થઈને 2025માં 2,880 ડોલર થઈ હતી. IMFએ તેના WEO રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે 2025-26માં ભારતીય અર્થતંત્ર 6.2 ટકાના દરે વૃદ્ધિ પામશે, જે અગાઉના અંદાજિત 6.5 ટકાના દર કરતાં ધીમું છે, કારણ કે વેપાર તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતામાં વધારો થયો છે.
“વિકસિત ભારત માટે વિકસિત રાજ્ય@2047” શીર્ષક ધરાવતા નીતિ આયોગના અભિગમ પેપરમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની ‘નાજુક પાંચ’ અર્થવ્યવસ્થાઓનો ભાગ ગણાતા ભારત માત્ર એક દાયકામાં વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવી શક્યું છે. વર્લ્ડ બેન્કના માપદંડ મુજબ વાર્ષિક માથાદીઠ 14,005 ડોલર (2024-25)થી વધુ આવક ધરાવતા દેશોને ઊચી આવક ધરાવતા દેશો ગણવામાં આવે છે. ભારતમાં ક્ષમતા છે અને તે 2047 સુધીમાં ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવાનું લક્ષ્ય રાખે છે. અભિગમ પત્રમાં કહેવામાં આવ્યું છે કે 2047 સુધીમાં વિકાસ ભારત 30 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર હશે.
