ભારતીય ચૂંટણી પંચ (ECI)એ ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની કુલ પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનો રવિવારે કાર્યક્રમ જાહેર કર્યો હતો. પાંચેય મતવિસ્તારો માટે મતદાન તારીખ ૧૯ જૂન છે અને મતગણતરી ૨૩ જૂને થશે. ગુજરાતમાં કડી અને વિસાવદર એમ બે વિધાનસભા બેઠકો માટે 19 જૂને પેટાચૂંટણી યોજાશે.
ગુજરાતમાં, વિસાવદર બેઠક આમ આદમી પાર્ટી (AAP)ના તત્કાલીન ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી (જેઓ પાછળથી ભાજપમાં જોડાયા)ના રાજીનામાને કારણે ખાલી પડી હતી. કડી બેઠક અનુસૂચિત જાતિ (SC) ઉમેદવારો માટે અનામત છે, તે તત્કાલીન ભાજપના ધારાસભ્ય કરસનભાઈ પુંજાભાઈ સોલંકીના અવસાનને કારણે ખાલી પડી છે.
કેરળમાં, નિલામ્બુર બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.પંજાબમાં લુધિયાણા પશ્ચિમમાં પેટાચૂંટણી થશે, અને પશ્ચિમ બંગાળમાં કાલીગંજ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ 2 જૂન છે અને ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ 3 જૂન છે.ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૫ જૂન છે.કેરળની નિલંબુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી અપક્ષ ધારાસભ્ય પી.વી. અનવરના રાજીનામાને કારણે જરૂરી બની હતી.
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોએ પ્રચાર સમયગાળા દરમિયાન ત્રણ વખત અખબારો અને ટેલિવિઝન ચેનલો દ્વારા આ સંદર્ભમાં માહિતી પ્રકાશિત કરવી જરૂરી છે. જે રાજકીય પક્ષ ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોને ઉભા રાખે છે તેણે પણ તેના ઉમેદવારોની ગુનાહિત પૃષ્ઠભૂમિ વિશેની માહિતી તેની વેબસાઇટ પર અને અખબારો અને ટેલિવિઝન ચેનલો બંને પર ત્રણ વખત પ્રકાશિત કરવી જરૂરી છે.
