ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટના સભ્યો. (PTI Photo)

ગુજરાતમાં ભાજપની નવી સરકારમાં કુલ 25 પ્રધાનોમાંથી સાત પ્રધાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમની સામે પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે. જીતુ ચૈાધરી સામે ગંભીર કહી શકાય તેવી કલમો સાથે ગુના નોધાયાં છે. આમ નવા પ્રધાનમંડળમાં કુલ 28 ટકા પ્રધાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પ્રધાનો સામે મારામારી, વિશ્વાસઘાત, છેતરપિંડી જેવા કેસ થયેલા છે.

એસોસિએસન ફોર ડેમોક્રેટિક રિફોર્મ સંસ્થાએ નવા પ્રધાનમંડળના પ્રધાનોના સોગંદનામાના કરેલાં વિશ્લેષ્ણમાં એવી વિગતો બહાર આવી છે કે, ભાજપ સરકારના સાત પ્રધાનો સામે ગુના નોંધાયેલાં છે. સામાજીક ન્યાય અને અધિકારિતા પ્રધાન પ્રદિપ પરમાર સામે મિલ્કત સંબંધે વિશ્વાસઘાત અને છેતરપિડીનો ગુનો નોંધાયેલો છે.

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સામે મહારાષ્ટ્રમાં ચેક બાઉન્સ થવાના કેસો નોંધાયેલા છે. વાહન વ્યવહાર- નાગરિક ઉડ્ડયન પ્રધાન અરવિંદ રૈયાણી સામે મારામારી, શાંતિભંગ અને ઉશ્કેરણી પોલીસે ચોપડે ગુનો નોંધાયેલો છે. મહેસૂલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી સામે સરકારી અધિકારીના હુકમના અનાદર બદલ ગુનો નોંધાયો છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ગેરકાયદેસર મંડળી રચી મારામારી જ નહીં, ગેરકાયદેસર રીતે વ્યક્તિની અટકાયત કરવી એ ગુનો નોંધાયેલો છે. નર્મદા અને કલ્પસર પ્રધાન જીતુ ચૌધરી સામે ય શાંતિભંગ સહિતના ગુના બદલ પોલીસ ચોપડે ગંભીર કલમ નોધાઇ છે.