કેઇર્ન ઇન્ડિયાની રાજસ્થાન ખાતેના મંગલા ઓઇલ ફિલ્ડની ક્રૂડ ઓઇલ માટેની સ્ટોરેજ ફેસિલિટી (REUTERS/Parth Sanyal/File Photo)

ભારત સરકારે વોશિંગ્ટનની ફેડરલ કોર્ટમાં બ્રિટનની કેઇન એનર્જીના 1.2 બિલિયન ડોલરના દાવાને ફગાવી દેવા માગણી કરી છે. ભારત સરકાર સાથે 1.2 બિલિયન ડોલરના ટેક્સ કેસમાં આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટમાં કેઇર્નનો વિજય થયો હતો અને કેઇર્ને આ રકમ વસૂલ કરવા માટે અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ દાવાને ફગાવી દેવાની માગણી કરતાં ભારત સરકારે જણાવ્યું હતું કે તેને યુએસ કાયદા હેઠળ સોવરિન સુરક્ષા પ્રાપ્ત છે.

સરકારે 13 ઓગસ્ટના રોજ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ કોલંબિયામાં ‘મોશન ટુ ડિસમિસ’ પિટિશન દાખલ કરીને કહ્યું કે કેઇર્ન અને ભારતીય ટેક્સ ઓથોરિટી વચ્ચેના વિવાદો વિવાદ અમેરિકાની કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતો નથી. ભારત સરકારે વિવાદાસ્પદ રેસ્ટ્રોસ્પેક્ટિવ ટેક્સને નાબૂદ કરવા માટેનો કાયદો બનાવ્યા બાદ આ પિટિશન કરી હતી.

ઉલ્લેખનિય છે કે, રેસ્ટ્રોસ્પેક્ટિવ ટેક્સ ઘણો વિવાદીત રહ્યો છે. તેનાથી ભૂતકાળના સોદામાં ટેક્સ લાદવાની આવકવેરા વિભાગને સત્તા મળી હતી. આ નિયમનો ઉપયોગ 17 કંપનીઓ પાસેથી રૂ. 1.10 લાખ કરોડનો કર વસૂલવા માટે કરવામાં આવ્યો હતો. કેઇર્ન પાસેથી રૂ.10,247 કરોડનો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો હતો.

કેઇર્ન એનર્જીએ ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ સમક્ષ ટેક્સ ડિમાન્ડને પડકારી હતી. ટ્રિબ્યુનલે ભારત સરકારને એકત્ર કરેલ નાણાં પરત કરવાનો આદેશ આપ્યો હતો. સરકારે શરૂઆતમાં 1.2 બિલિયન ડોલર પરત કરવા ઇનકાર કર્યો હતો, તેનાથી કેઇર્નને વિદેશમાં ભારતીય સંપત્તિ જપ્ત કરીને તે નાણાં વસૂલવાની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. કેઇર્ન એનર્જી મે મહિનામાં ભારતની સરકારી માલિકીની એરલાઇન્સ એર ઈન્ડિયા લિમિટેડને યુએસ કોર્ટમાં ઢસડી ગઈ અને ગયા મહિને પેરિસમાં ફ્રાંન્સની કોર્ટ પાસેથી ભારત સરકારની સ્થાવર મિલકતોને ફ્રીઝ કરવા મંજૂરી મેળવી હતી.