જોન્સન એન્ડ જોન્સન (J&J)ના ટેલ્કમ આધારિત બેબી પાવડરથી કેન્સર થતું હોવાના એક કેસમાં કેલિફોર્નિયાના જ્યુરીએ બેબી પાવડરને કારણે અંડાશયના કેન્સર થયું હોવાનો આરોપ મૂકનારા બે મહિલાને 49 મિલિયનનું વળતર ચુકવવાનો કંપનીને શુક્રવાર, 12 ડિસેમ્બરે આદેશ આપ્યો હતો. જોકે કંપનીએ આ આદેશને ઉપલી કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી હતી.
લોસ એન્જલસ સુપિરિયર કોર્ટના જ્યુરીએ મોનિકા કેન્ટને $18 મિલિયન તેમજ ડેબોરાહ શુલ્ટ્ઝ અને તેના પતિને $22 મિલિયન ડોલરનું વળતર ચુકવવા કંપનીને આદેશ આપ્યો હતો. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે કંપનીને દાયકાઓથી તેના ટેલ્કમ આધારિત પ્રોડક્ટ્સના સંભવિત જોખમો વિશે જાણકારી હતી, પરંતુ ગ્રાહકોને ચેતવણી આપી ન હતી.
આ ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતાં કંપનીના ગ્લોબલ વાઇસ પ્રેસિડન્ટ એરિક હાસે જણાવ્યું હતું કે કંપની આ ચુકાદા સામે તાત્કાલિક અપીલ કરશે.
કોર્ટના દસ્તાવેજો મુજબ મોનિકા કેન્ટને 2014માં અને શુલ્ટ્ઝને 2018માં અંડાશયના કેન્સરનું નિદાન થયું હતું. કેલિફોર્નિયાની રહેવાસી બંને મહિલાઓએ જુબાની આપી હતી કે તેઓએ સ્નાન કર્યા પછી 40 વર્ષ સુધી J&Jના બેબી પાવડરનો ઉપયોગ કર્યો હતો. આ બંને મહિલાઓ મોટી સર્જરી અને કીમોથેરાપી સહિતની સારવાર લેવી પડી હતી.
વકીલ એન્ડી બિર્ચફિલ્ડે જ્યુરીને જણાવ્યું હતું કે જોન્સન એન્ડ જોન્સન 1960ના દાયકાથી જાણતી હતી કે તેમની ટેલ્ક પ્રોડક્ટ્સ કેન્સરનું કારણ બની શકે છે. તેઓ તેને છુપાવવા માટે, જોખમો વિશેના સત્યને દબાવવા માટે શક્ય તેટલાં તમામ પ્રયાસો કર્યાં હતાં.
કંપનીનો દાવો છે કે તેની પ્રોડક્ટ્સ સલામત, એસ્બેસ્ટોસ-મુક્ત છે અને કેન્સરનું કારણ નથી. J&Jએ 2020માં યુએસમાં ટેલ્ક-આધારિત બેબી પાવડરનું વેચાણ બંધ કરી દીધું, તેના સ્થાને કોર્નસ્ટાર્ચ-આધારિત ફોર્મ્યુલાનો ઉપયોગ ચાલુ કર્યો હતો.














