સિડનીના બોન્ડી બીચ પર એક યહૂદી ઉજવણીમાં 15 લોકોની હત્યા કરનારા કથિત બંદૂકધારીઓ પિતા અને પુત્ર હતા. આ આતંકી પિતા અને પુત્રની ઓળખ અનુક્રમે સાજિદ અકરમ અને નવીદ અકરમ તરીકે થઈ હતી. આ ઘટનામાં ૫૦ વર્ષીય હુમલાખોર પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેનો ૨૪ વર્ષનો પુત્ર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હતો.
ગૃહપ્રધાન ટોની બર્કે જણાવ્યું હતું કે પિતા ૧૯૯૮માં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવ્યો હતો, જ્યારે તેમનો પુત્ર ઓસ્ટ્રેલિયામાં જન્મેલો નાગરિક છે. સીબીએસ ન્યૂઝે તપાસ અંગે માહિતી આપતા યુએસ ગુપ્તચર અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે આ બંને પાકિસ્તાની મૂળના હોવાની શક્યતા છે. અકરમના ન્યૂ સાઉથ વેલ્સ ડ્રાઇવિંગ લાઇસન્સની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે પાકિસ્તાની ક્રિકેટ ટીમની જર્સી જેવો લીલો શર્ટ પહેરેલો દેખાય છે.
ઓસ્ટ્રેલિયામાં યહૂદી વિરોધી હુમલામાં એક વર્ષમાં 3 ગણો ઉછાળો
ઇઝરાયેલ પર 7 ઓક્ટોબર 2023ના હુમલા પછી ઓસ્ટ્રેલિયામાં યહુદી પરના હુમલામાં 3 ગણો વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાની કુલ 2.8 કરોડની વસતીમાં યહૂદીઓની સંખ્યા આશરે 1.17 લાખ છે. ગયા ઉનાળા દરમ્યાન સિડની અને મેલબોર્નમાં યહૂદી વિરોધી એક પછી બીજા હુમલાઓથી દેશ હચમચી ગયો હતો. સિનાગોગ અને કારને આગ ચાંપી દેવામાં આવી હતી, વ્યવસાયો અને ઘરોમાં યહૂદી વિરોધી ચિત્રણો કરાયાં હતાં. ઇઝરાયલે ઓસ્ટ્રેલિયાની સરકારને યહૂદીઓને નિશાન બનાવતા ગુનાઓ પર કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.














