A Range Rover Evoque car (Photo by Lintao Zhang/Getty Images)

સરેના સ્ટોકબ્રોકર બેલ્ટમાં £50,000થી લઈને £120,000થી ઉંચા મૂલ્યની મર્સિડીઝ, BMW, માસેરાટી અને રેન્જ રોવર સહિતની કારોની એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ચોરી કરી કારોને સગવગે કરી નાંખતી ગેંગ પર ત્રાટકીને પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી. કેટલાક કિસ્સાઓમાં તો કારના માલિકો જાગે અને કાર ગુમ થયાનો અહેસાસ થાય તે પહેલા તેમની કારને ગુનેગારો યુરોપમાં વેચવા માટે ચેનલ પર ખડકી દેતા હતા.

આ ટોળકીએ વેબ્રિજ, હિંચલી વુડ અને એશરના સમૃદ્ધ વિસ્તારોમાંથી મે મહિનામાં 17 વાહનોની ચોરી કરી હોવાની શંકા છે. તેમણે રિલે બોક્સનો ઉપયોગ કરીને કારની ચોરી કરી હતી. કાર ચોરો ઇલ્ક્ટ્રોનિક કી ધરાવતી કારની નજીક એક રીલે બોક્સ રાખે છે અને બીજુ બોક્સ કાર માલિકના ઘરના આગળના દરવાજાની નજીક લઇ જાય છે. અને તે રીતે ઘરમાં રાખેલી કારના કી ફોબના ઇલેક્ટ્રોનિક ડેટાની નકલ કરીને કાર ચોરી જવામાં આવે છે.

પોલીસને શંકા છે કે ટોળકી તરત જ નંબર પ્લેટ બદલી નાખી તેને યુરોપ મોકલવા  ચેનલ તરફ ખસેડી દેતી હતી. તેઓ ક્યારેક આખી કાર તો ક્યારેક તેના પાર્ટ્સ કરી વેચી દેતા હતા. પોલીસે એસેક્સમાં એક “ચોપ શોપ” પર દરોડો પાડતા કારના સ્પેરપાર્ટ્સ પેક કરાયેલી હાલતમાં મળ્યા હતા. જેને આધારે એક ઓપરેશનમાં ડોવર ખાતેથી ચોરીના પાર્ટ્સ લઇ જતી લોરીને પકડવામાં આવી હતી.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણવ્યા મુજબ ગયા વર્ષે 130,389 વાહનો ચોરાયા હતા. જે 2021ની સરખામણીમાં 25 ટકા વધારે છે. સરેના પોલીસ અને ક્રાઈમ કમિશનર લિસા ટાઉનસેન્ડે જણાવ્યું હતું કે કાર ચોરી અને કાઉન્ટી લાઇન્સ ડ્રગ ડીલિંગ અને હથિયારોના ગેરકાયદેસર વેચાણના અન્ય ગંભીર ઓર્ગેનાઇઝ્ડ ગુનાઓમાં ઘણીવાર અલ્બેનિયન સંડોવાયેલા હતા. હું આવી કારના માલિકોને તેમની ચાવીઓને ઘરમાં સંગ્રહ કરતી વખતે સિગ્નલ બ્લોકર પાઉચ અને સ્ટીયરિંગ વ્હીલ લોકનો ઉપયોગ કરવા વિનંતી કરૂ છું.

LEAVE A REPLY

17 − ten =