(Photo by Scott Olson/Getty Images)

યુકેમાં કોરોનાવાયરસના કારણે થયેલા તમામ મૃત્યુ પૈકી ત્રીજા ભાગના મૃત્યુ કેર હોમમાં થઈ રહ્યા છે ત્યારે કેર પ્રોવાઇડર્સ દ્વારા કોવિડ-19ની તેમના ક્ષેત્ર પર થયેલી “કરુણ અસર”ની વાત જાહેર કરી છે.

અગ્રણી એશિયન ઉદ્યોગસાહસિક, યુકેના સૌથી મોટા કેર હોમ પ્રદાતાઓમાંના એક, એચસી-વનના સ્થાપક, ડૉ. ચાય પટેલ, સીબીઇએ સ્વીકાર્યું હતુ કે તેઓ 35 વર્ષથી કામ કરે છે પરંતુ કોવિડ -19 જેવી કટોકટી ક્યારેય અનુભવી નથી. રોગચાળાની વ્યાપક અસર રહી છે.

ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના ગયા અઠવાડિયે આવેલા આંકડા દર્શાવે છે કે એપ્રિલ 17 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કોરોનાવાયરસના કારણે કેર હોમમાં 2,000 મૃત્યુ થયા હતા. જેને પગલે કેર હોમમાં તા. 28ના રોજ મોતની સંખ્યા 3,096 થઇ હતી. નોર્ધર્ન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં કેર હોમમાં એપ્રિલના મધ્યભાગ સુધીમાં 630 મૃત્યુ થયા હતા. જે કોરોનાવાયરસના કારણે થયેલા મોતના અડધા બરાબર છે.  હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકએ જાહેરાત કરી હતુ કે બધા કેર હોમના રહેવાસીઓ અને સ્ટાફ લક્ષણો હોય કે ન હોય પણ તા. 29થી ટેસ્ટ કરાવી શકશે.

તા. 1ના રોજ ગરવી ગુજરાત સાથેની એક મુલાકાતમાં ડૉ. ચાય પટેલે જણાવ્યું હતું કે તેમનો અંદાજ છે કે તેમની હેલ્થ કેર કંપનીએ “દેશભરમાં સેંકડો રહેવાસીઓ”ને ગુમાવ્યા છે અને કેર હોમની પરિસ્થિતિને દુ:ખદ ગણાવી હતી. ઘણા લોકોના મરતા જોવા દુર્ભાગ્યપૂર્ણ હતા અને તે ખૂબ દુ:ખદ અને મુશ્કેલ હતું.

લંડન, હર્ટફોર્ડશાયર, સરે અને કેમ્બ્રિજમાં હોમનું સંચાલન કરતી ટી.એલ.સી. કેરના સીઇઓ પાવન પોપટે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’રહેવાસીઓએ અનુભવેલુ સૌથી મોટુ પરિવર્તન પરિવાર અને મિત્રોની મુલાકાત પરનો પ્રતિબંધ છે. જ્યારે કોઈ તેમના જીવનના અંતની નજીક હોય ત્યારે આ મુશ્કેલજનક ભને છે. એવું અનુભવાય છે કે પીપીઈ અને અસરકારક માર્ગદર્શન માટેની પ્રાધાન્યતા હોસ્પિટલ માટે હતી. કેર હોમ સેક્ટર આ પ્રક્રિયા દરમિયાન ગૌણ લાગ્યું છે; તેમ છતાં, આપણી જાતે વિચારીને ઝડપથી કાર્ય કરવાની જરૂર છે. રક્ષણાત્મક ઉપકરણો TLC ની મુખ્ય વધારાનો ખર્ચ છે. ચહેરાના માસ્ક પહેલાં યુનિટ દીઠ 6 પેન્સમાં મળતા હતા. પણ હવે તેનો ભાવ £1 છે.”

ડૉ. પટેલ અને પોપટ બંનેએ સ્વીકાર્યું હતુ કે પ્રારંભિક તબક્કે પી.પી.ઇ. ન આપવામાં આવતા કેરહોમ્સને અસર થઈ હતી. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે રક્ષણાત્મક સામગ્રી અને સંસાધનો પ્રાપ્ત કરવામાં કેર હોમ્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી.

ડૉ. પટેલે દાવો કર્યો હતો કે ‘’ઘણા સપ્લાયર્સ NHSને પી.પી.ઇ. પુરવઠો પહોંચાડતા હતા પરંતુ કેર હોમ્સ પૂરતા પ્રમાણમાં સાધનો પ્રાપ્ત કરવામાં અસમર્થ હતા. આનાથી અમારા કર્મચારીઓ પાસે યોગ્ય સુરક્ષા નહતી. તે ખાસ કરીને સ્ટાફના દૃષ્ટિકોણથી પડકારજનક હતું. કારણ કે આપણે જેમની દેખરેખ રાખીએ છીએ, જેમ કે ડીમેન્શીયાથી પીડાતા લોકો સરળતાથી સામાજિક અંતરની માર્ગદર્શિકાનું પાલન કરી શકતા નથી. જે કર્મચારીઓને વાયરસ સામે જોખમમાં મૂકે છે.”

ડૉ. પટેલે જણાવ્યુ હતુ કે ‘’સંભાળ દરમ્યાન રહેવાસીઓ સુરક્ષિત અને સલામત રહે તે માટે કેર હોમ્સે વધારાના પગલાં અમલમાં મૂકવા પડ્યા છે. કેમ કે ડિમેંશિયાવાળા વ્યક્તિને સમજાવવું મુશ્કેલ બને છે કે તેમણે કેમ વારંવાર વધુ હાથ ધોવા જોઈએ અથવા સુરક્ષિત અંતર રાખવું જોઈએ. પરિચિત લોકો સાથે વાત કરવામાં અસમર્થ, બીમાર અને પીડિત લોકો માટે આ બધુ દુ:ખદાયક બને છે. હોમની અંદર સફાઈમાં વધારો કર્યો છે અને હાથ ધોવા અંગે માર્ગદર્શિકા રજૂ કરી છે. પી.પી.ઇ. ખરીદવા માટે એચસી-વન “કરોડો પાઉન્ડ”નો ખર્ચ કરે છે. પી.પી.ઇ. પછી બીજો ખર્ચ સ્ટાફની ગેરહાજરી અને તેના આર્થિક ખર્ચાનો છે.’’

પોપટે ગેરહાજરીને આવરી લેવા માટે વધારાની શિફ્ટમાં કામ કરનાર કર્મચારીઓની પ્રશંસા કરી હતી. કેર હોમ્સ દ્વારા રહેવાસીઓ સ્વજનો સાથે વાતચીત કરી શકે તે માટે ટેકનોલોજીમાં રોકાણ કરવું પડ્યું છે. નિવાસીઓ અને તેમના પ્રિયજનો ફેસટાઇમ કોલ માટે ટેબ્લેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રોગચાળાને ધ્યાનમાં રાખીને, પોપટ અને પટેલે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં સામાજિક સંભાળ ક્ષેત્રને વધુ સારી રીતે માન્યતા આપવામાં આવશે.