(Andrew Parsons/No 10 Downing Street/Handout via REUTERS)

સરકાર દ્વારા ઘડવામાં આવેલી કોરોનાવાયરસને રોકતા લોકડાઉનની ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ લીક થઇ છે જેને વડાપ્રધાન બોરીસ જ્હોન્સન રવિવારે રાષ્ટ્રજોગ પ્રવચનમાં જાહેર કરશે તેવી અપેક્ષા છે. આ યોજના અંતર્ગત કંપનીઓએ જ્યાં સુધી તેઓ સ્ટાફને સુરક્ષિત રાખે છે તેમ પૂરવાર કરે ત્યાં સુધી કંપનીમાં 2 મીટરનું સામાજિક અંતર ‘લાગુ કરવાનું રહેશે નહીં. પરંતુ હોટ ડેસ્કિંગ અથવા પેન શેર નહિ કરવા જણાવાયુ છે. બોરિસ જ્હોન્સન આ યોજના જાહેર કરવામાં વિલંબ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે. બીજી તરફ કોવિડ-19નો ફેલાવો ઓછો કરવા અને લોકડાઉન પગલાંને સુરક્ષિત રીતે ઘટાડવાની દિશામાં આગળ વધવા માટે આઈલ ઑફ વાઇટમાં કોરોનાવાયરસ ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રેસ પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. જેને મે માસના મધ્યથી દેશભરમાં લાગુ કરવામાં આવશે.

લોકડાઉનની ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ અંતર્ગત કામના સ્થળે સ્ક્રીન્સ નાંખવી, સ્વચ્છતામાં બરોબર ચોકસાઇ રાખવી, લોકો લાંબા સમય સુધી ખૂબ નજીક ન રહે તેની ખાતરીને વૈકલ્પિક સલામતી તરીકે ગણવામાં આવેલ છે. ઓફિસોને તેમના રોટાની નવેસરથી શરૂઆત કરવા, કામની શરૂઆત, અંત અને બ્રેકટાઇમનો સમય નક્કી કરવા આદેશ આપવામાં આવશે. કંપનીઓને અમૂક ઇક્વીપમેન્ટ સામુહિક ઉપયોગ અટકાવવા જણાવાયુ છે.

ઘરેથી કામ ન કરી શકે તેવા 70થી વધુ વયના, ગર્ભવતી અને અંતર્ગત આરોગ્યની સ્થિતિ હોય તેવા સંવેદનશીલ કર્મચારીઓને ‘શક્ય સલામત જોબ’ આપવા જણાવાયુ છે. બીજી તરફ ઘરેથી કામ કરી શકે તેવા લોકોને ઘરેથી કામ કરવાનું ચાલુ રાખવા જણાવાશે. બોરીસ જ્હોન્સન આ યોજના ગુરુવારે કરવાના હતા પરંતુ વ્હાઇટહોલમાં કામના આકરા ભારણને કારણે જાહેરાત મોડી પડી હતી.

આ પહેલા વડા પ્રધાને તા. 30ના રોજ સાંજે 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ બ્રિફીંગમાં જણાવ્યુ હતુ કે ‘’મોટી સંખ્યામાં ‘એક્ઝિટ સ્ટ્રેટેજીનુ કામ થઈ રહ્યું છે, જેનો પહેલો ડ્રાફ્ટ આવતા અઠવાડિયે પ્રકાશિત થશે. ભવિષ્યમાં પ્રતિબંધોને કેવી રીતે હળવા કરી શકાય તે માટે રોડ મેપ વિકલ્પો રજૂ કરશે. કેટલાક સંજોગોમાં લોકોને ચહેરો ઢાંકવાની કે માસ્ક પહેરી રાખવાની સલાહ આપવાનો સમાવેશ થાય છે જે ભવિષ્યમાં ઉપયોગી સાબીત થશે. આપણા વધતા જતા સંકલ્પ અને ચાતુર્યથી આપણે રોગને પરાજિત કરીશું. આ યોજના હેઠળ આપણી અર્થવ્યવસ્થાને આગળ વધારવા, બાળકોને શાળાએ કે ચાઇલ્ડ કેરમાં પાછા કેવી રીતે મોકલશુ, કેવી રીતે કામે જવા મુસાફરી કરીશુ અને કામના સ્થળને સલામત બનાવીશુ તે જણાવવામાં આવશે. ટૂંકમાં, આપણે રોગને દબાવશુ અને તે જ સમયે અર્થવ્યવસ્થાને ફરીથી પ્રારંભ કરીશું.  સરકારનો મુખ્ય હેતુ હંમેશાં જીવન બચાવવાનો હતો. હજારો લોકો મારા કરતા ઓછા ભાગ્યશાળી રહ્યા છે. અમે તેમના માટે દુ:ખ વ્યક્ત કરીએ છીએ. એક્ઝિટ પ્લાન વિકસાવવા માટે પડદા પાછળ કામ ચાલુ છે.‘’ જ્હોન્સન પ્રવચનમાં કોરોનાવાયરસની રસી વિકસાવવા માટેની રેસ અંગે પણ માહિતી આપશે.

કોરોનાવાયરસ ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રેસ પ્લાન આઈલ ઑફ વાઇટમાં શરૂ

આઈલ ઑફ વાઇટના લોકો કોરોનાવાયરસ ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રેસ પ્લાનની નવી કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્લિકેશનનો એક્સેસ મેળવનાર પ્રથમ હશે. તા. 5ના રોજ સાંજના સાંજે 4 વાગ્યાથી ટાપુના એનએચએસ અને કાઉન્સિલ સ્ટાફને અને તા. 6ને ગુરુવારથી બધા ટાપુવાસીઓને એનએચએસ કોવિડ-19 એપ્લિકેશન રોલઆઉટનો લાભ મળશે.

એપ્લિકેશનના વિકાસમાં નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર દ્વારા ડેટાની ગોપનીયતા અને સુરક્ષાને મુખ્ય મહત્વ આપવામાં આવ્યુ છે. આ એપ્લિકેશન કોવિડ-19ના ફેલાવાને ઓછું કરવામાં સહાય માટે સંભવિત કોવિડ-19 લક્ષણોવાળા લોકો માટે એનહેન્સ કોન્ટેક્ટ ટ્રેસિંગ સેવાઓ અને સ્વેબ ટેસ્ટ સાથે કામ કરશે.

આરોગ્ય સેવાની ટેક્નોલોજી પાંખ NHSX અને વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિકો અને ડોકટરોની ટીમ દ્વારા આ એપ્લિકેશન બનાવવામાં આવ્યુ છે. જેનાથી ચેપી લોકોને ઝડપથી ઓળખવામાં સક્ષમ થવાશે અને વાયરસ ફેલાવવાની શક્યતાને ઘટાડી શકાશે. આ એપથી જેમને ચેપનું જોખમ છે તેઓ પોતાને બચાવવા માટે કાર્યવાહી કરી શકશે. કોઈ વ્યક્તિ આ એપ્લિકેશન દ્વારા પોતાના લક્ષણોની જાણ કરશે એટલે એપ્લિકેશન ધરાવનાર અન્ય વ્યક્તિને તેની ખબર પડશે કે ચેપ ધરાવનાર વ્યક્તિ છેલ્લા કેટલા દિવસોથી મહત્વપૂર્ણ સંપર્કમાં રહ્યો છે. આટલુ જ નહિ બસમાં કે ટ્રેનમાં બાજુમાં બેસેલા વ્યક્તિ અંગે પણ એપ્લિકેશન પર ચેતવણી મળશે અને ટેસ્ટ કેવી રીતે કરાવવો તેની સલાહ આપશે અને એપ્લિકેશન દ્વારા ટેસ્ટ માટે ઓર્ડર આપી શકશે.

જેમની પાસે સ્માર્ટફોન કે એપ નહિ હોય તેવા લોકો ઓનલાઇન કે ફોન પર લક્ષણોની જાણ કરી શકશે અને ટેસ્ટ ઓર્ડર કરી શકશે. જેમ જેમ આ સેવાનો વિકાસ થશે તેમ તેમ એપ્લિકેશન વાપરનારા તેમજ અન્ય લોકોને ઑનલાઇન કે ટેલિફોન દ્વારા કોન્ટેક્ટને રેકોર્ડ કરવાનું કહેવામાં આવશે. જેથી કોન્ટેક્ટ ટ્રેસર્સ એવા બધા સંપર્કો સુધી પહોંચી શકશે. તે તમામને ચેપી વ્યક્તિ અંગે એપ્લિકેશન, ઇમેઇલ અથવા ટેલિફોન દ્વારા ચેતવણી આપવામાં આવશે અને સેલ્ફ આઇસોલેટ થવાની સલાહ આપવામાં આવશે અથવા જાહેર આરોગ્ય સલાહ આપવામાં આવશે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ આ પ્રોગ્રામને ટેકો આપવા માટે 18,000 વધારાના કોન્ટેક્ટ ટ્રેસર્સને રોકાશે.

આ પ્રથમ તબક્કો સરકારની કોરોનાવાયરસ વ્યૂહરચના માટેનુ મોટું પગલું છે અને ટેસ્ટ, ટ્રેક અને ટ્રેસ માટેનો આ નવી સંકલિત અભિગમ બાકીની વસ્તી માટે કેવી રીતે કાર્ય કરશે તેની જાણકારી વધારશે.

મંગળવારે બપોરે એનએચએસ અને કાઉન્સિલ સ્ટાફને ડાઉનલોડ લિંક ઇમેઇલ મળ્યા હતા. ગુરૂવારે એપ્લિકેશનને ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેના સ્પષ્ટ સૂચનો સાથે તમામ ઘરોને એક પત્રિકા મોકલવામાં આવશે અને શુક્રવારે માર્કેટિંગ અભિયાન શરૂ થશે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતુ કે ‘’આ કાર્યક્રમથી દેશવ્યાપી રોલ-આઉટનો માર્ગ મોકળો થશે અને આ એપ્લિકેશન બ્રિટનને તેના પગ પર ઉભુ રાખવામાં અને કોરોનાવાયરસના ફેલાવાને અંકુશમાં રાખવામાં મદદ કરશે.’’

એનએચએસએક્સના ચીફ એક્ઝિક્યુટિવ મેથ્યુ ગોલ્ડે કહ્યું હતુ કે ‘’આ ટેકનીક આપણને ઘણી મદદ કરી શકે છે.

બીજી તરફ ડીફેન્સ સેક્રેટરી બેન વૉલેસે એવી ચિંતા વ્યક્ત કરી હતી કે ‘કોરોનાફોબિયા’ અર્થતંત્રને ફરીથી પાટે લાવવાના પ્રયત્નોમાં અવરોધ લાવી શકે છે. પોલ સૂચવે છે કે લોકો કામ પર પાછા ફરવા બાબતે ગભરાઇ રહ્યા છે. હું દ્રઢપણે માનું છું કે જનતા મૂર્ખ નથી. તેઓ સલાહ વાંચે છે અને મીડિયાને સાંભળે છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે બધા સાથે મળીને આગળ વધવા માટે સમર્થ થઈશું.’

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના વિશ્લેષણ મુજબ, કોરોનાવાયરસથી વિશ્વભરમાં 246,000થી વધુ લોકો મોતેને ભેટ્યા છે. હાલના આકરા લોકડાઉન આદેશોને પગલે દેશને રોજના 2 બિલીયન પાઉન્ડનો ખર્ચ થઇ રહ્યો છે. જેને કારણે મિનીસ્ટર્સ ભારે દબાણ હેઠળ છે.

કેબીનેટ મિનીસ્ટર માઇકલ ગોવે રવિવારે રાત્રે ડાઉનિંગ સ્ટ્રીટની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘જ્યાં સુધી આપણા પાસે રસી નહિ હોય ત્યાં સુધી અને મને શંકા છે કે વાયરસની પ્રકૃતિના કારણે આપણે અમુક અંશે અવરોધ સાથે જીવવુ પડશે. પરંતુ અમે શક્ય હોય ત્યાં સુધી લોકોનું જીવન શક્ય હોય તેટલુ સામાન્ય બનાવવા માંગીએ છીએ. આ માટે સરકાર લોકડાઉન પ્રતિબંધોને દૂર કરવા માટે ‘તબક્કાવાર અભિગમ’ અપનાવે છે.