શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં માત્ર એક સાંસદ સાથેની પાર્ટીના વિક્રમસિંઘે શ્રીલંકાના નવા વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ગુરુવારે તેમને એકતા સરકારના વડા પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેઓ ભૂતકાળમાં પણ પાંચ વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે. 73 વર્ષીય રાનિલ વિક્રમસિંઘેને દેશના શ્રેષ્ઠ રાજકીય વહીવટકર્તા અને અમેરિકા તરફી માનવામાં આવે છે.
બીજી તરફ, એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમના ભાગરૂપે, એક કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે અને તેમની નજીકના 8 સહયોગીઓને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. કહેવાય છે કે, તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. મહિન્દા રાજપક્ષે પ્રેસિડેન્ટ ગોટાબાયાના ભાઈ છે અને તેઓ છૂપાતા ફરે છે. શાસક શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP), વિરોધ પક્ષ સામગી જના બાલવેગયા (SJB) અને અન્ય કેટલાક પક્ષોએ સંસદમાં વિક્રમસિંઘેની બહુમતી સાબિત કરવા માટે તેમનું સમર્થન વ્યક્ત કર્યું છે. દેશની સૌથી જૂની પાર્ટી UNP 2020ની સંસદીય ચૂંટણીમાં એક પણ સીટ જીતી શકી ન હતી અને UNPના ગઢ ગણાતા કોલંબોથી ચૂંટણી લડનાર વિક્રમસિંઘે પણ હારી ગયા હતા.