
ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે બે વર્ષના યુદ્ધ પછી થયેલા સફળ યુદ્ધવિરામના ભાગ રૂપે હમાસે સોમવાર, 13 ઓક્ટોબરે ઇઝરાયેલના બાકી રહેલા તમામ 20 બંધકોને રેડ ક્રોસની કસ્ટડીમાં મુક્ત કર્યા હતાં. આ બંધકોને બે તબક્કામાં મુક્ત કરાયા હતાં. ઇઝરાયેલે પણ પેલેસ્ટાઇનને કેટલાંક કેદીઓને મુક્ત કર્યા હતાં. આનાથી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને દેશોના લોકોએ ઉજવણી કરી હતી.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલની સંસદને સંબોધન કર્યું હતું. સંસદને સંબોધન પહેલા પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ગાઝા યુદ્ધ સમાપ્ત થયું છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા સપ્તાહે ઇજિપ્તના શર્મ અલ-શેખમાં થયેલા યુદ્ધવિરામ સમજૂતી થઈ હતી. ટ્રમ્પ અને વિશ્વના બીજા 20થી નેતાઓ સોમવારે ગાઝા શાંતિ સમીટ યોજી રહ્યાં છે. તેમાં મધ્ય પૂર્વમાં વ્યાપક સ્થિરતા લાવવાના આગામી પગલાંની ચર્ચાવિચારણા કરશે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ થયેલી આ સમજૂતી હેઠળ હવે યુદ્ધવિરામ થયો છે. હમાસ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ઇઝરાયેલના બાકીના તમામ બંધકોને મુક્ત કર્યા હતાં. સમજૂતી મુજબ ઇઝરાયલ ગાઝામાંથી આંશિક રીતે તેના સૈનિકોને પાછા ખેંચી લેશે અને સેંકડો પેલેસ્ટિનિયનને તેની જેલમાંથી મુક્ત કરશે.
જોકે ટ્રમ્પે રજૂ કરેલી 20 મુદ્દાની શાંતિ યોજનાના ઘણા પાસાંઓ અંગે હજુ અનિશ્ચિતતા ઊભી છે. હમાસનુ નિઃશસ્ત્રીકરણની કેવી રીતે કરાશે, હમાસનું ભાવિ શું હશે તથા ગાઝા પર કોણ શાસન કરશે તે અંગે અનિશ્ચિતતા છે. આ મુદ્દાઓ અંગે વૈશ્વિક નેતાઓ વચ્ચે મંત્રણા થશે.
ગાઝામાં 7 ઓક્ટોબર 2023ના રોજ યુદ્ધ ચાલુ થયું હતું. તે સમયે હમાસે ઇઝરાયેલ પર આકસ્મિક હુમલા કરતાં 1,200 ઇઝરાયેલીના મોત થયા હતાં. હમાસે ઇઝરાયેલના 251 લોકોને બંધક પણ બનાવ્યાં હતાં. આ પછી ઇઝરાયેલ કરેલા વળતા હુમલામાં પેલેસ્ટાઇનમાં 67,000 લોકોના મોત થયા હતાં અને 1.70 લાખથી વધુ લોકોના મોત થયા હતાં. યુદ્ધમાં આખું ગાઝા ખંડેર બની ગયું હતું અને લાખ્ખો લોકોને કેમ્પોમાં રહેવાની ફરજ પડી હતી.
