ચંદ્રયાન-3 અવકાશયાનના લેન્ડર ઇમેજર કૅમેરા દ્વારા કૅપ્ચર કરાયેલ ચંદ્રની છબી(ANI Photo)

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર તાપમાનની જાણકારી મેળવીને તેના ડેટા ઇસરોને મોકલ્યા હતા. ડેટાને આધારે ઇસરોએ રવિવારે ચંદ્રની સપાટી પર તાપમાનમાં ફેરફારનો એક ગ્રાફ જારી કર્યો હતો, જે મુજબ ચંદ્રની સપાટી પર તાપમાનમાં તફાવત 70 ડિગ્રી સેલ્સિયસથી માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનો છે.

રાષ્ટ્રીય અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં મૂકવામાં આવેલી સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરીમેન્ટ (ChaSTE) સિસ્ટમે ચંદ્રની સપાટીના તાપમાનને સમજવા માટે દક્ષિણ ધ્રુવની આસપાસની ચંદ્રની જમીનનું તાપમાન પ્રોફાઇલ માપ્યું હતું. ChaSTE પેલોડમાંથી આવેલા પ્રથમ અવલોકનો ઇસરોએ જારી કર્યાં હતાં.

ગ્રાફિક ચિત્ર અંગે ISROના વૈજ્ઞાનિક બીએચએમ દારુકેશાએ જણાવ્યું હતું કે અમે બધા માનતા હતા કે ચંદ્રની સપાટી પર તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડથી 30 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ હોઈ શકે છે, પરંતુ તે 70 ડિગ્રી સેન્ટિગ્રેડ છે. તે આશ્ચર્યજનક છે અને અમારી અપેક્ષા કરતા વધારે છે.

અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે વિક્રમના પેલોડમાં તાપમાન માપવા માટેનું એક ઇક્વિપમેન્ટ છે, જે સપાટીની અંદર 10 સેન્ટિમીટર્સની ઊંડાઈ સુધી જઈ શકે છે અને તાપમાન માપી શકે છે. આ ઇક્વિપમેન્ટમાં 10 અલગ-અલગ તાપમાન સેન્સર લગાવવામાં આવ્યા છે. પ્રસ્તુત ગ્રાફ વિવિધ ઊંડાણો પર ચંદ્રની સપાટી અને નજીકની સપાટીના તાપમાનના ફેરફારોને દર્શાવે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ માટે આ પ્રકારની પ્રથમ તાપમાન પ્રોફાઇલ છે. તેના વિગતવાર અવલોકનો ચાલુ છે.

આ અંગેની વધુ વિગતો આપતા વૈજ્ઞાનિક દારુકેશાએ જણાવ્યું હતું કે આપણે પૃથ્વીની જમીનની બેથી ત્રણ સેન્ટિમીટર્સ અંદરનું તાપમાન જોઇએ તો તેમાં આપણે ભાગ્યે જ બે કે ત્રણ ડિગ્રી સેન્ટિગ્રેડનો તફાવત જોવા મળે છે, પરંતુ ચંદ્રમાં આ તફાવત આશરે 50 ડિગ્રી સેન્ટિગ્રેડનો છે. ચંદ્રની સપાટીથી નીચે તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. ચંદ્રની જમીન પર તાપમાનમાં તફાવત 70 ડિગ્રી સેલ્સિયસથી માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ છે.

અમદાવાદ ખાતેની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના સહયોગમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની સ્પેસ ફિઝિક્સ લેબોરેટરી (એસપીએલ)ના વડપણ હેઠળની એક ટીમે આ ChaSTE પેલોડ વિકસાવ્યું છે.

ભારતે 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 મિશનમાં સફળતા મેળવી હતી તથા લેન્ડર ચંદ્ર પર ઉતર્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન ઉતારનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.

 

 

LEAVE A REPLY

9 + one =