ઉત્તરાખંડના ચમોલી જિસ્સામાં આવેલા પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિર. (PTI Photo)

ભારતના પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા માટે યાત્રીઓની સંખ્યા પરના નિયંત્રણોને ઉત્તરાખંડ સરકારે દૂર કર્યા છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે ભાવિકોની સંખ્યા પરનું નિયંત્રણ ઉઠાવી લેવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા હાઈકોર્ટે ત્રણ સપ્તાહ અગાઉ ચાર ધામ યાત્રાને શરત સાથે મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે, કેદારનાથમાં 800, બદ્રીનાથમાં 1000, ગંગોત્રીમાં 600 અને જન્મોત્રીમાં 400 ભાવિકો જ એક દિવસમાં દર્શન માટે જઈ શકશે.

જોકે એ પછી પણ ભાવિકો મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા હોવાથી અવ્યવસ્થા સર્જાઈ રહી હતી. ભાવિકોને તંત્ર દ્વારા પાછા પણ મોકલવા પડતા હતા. જેના પગલે સરકારે કોર્ટ સમક્ષ વધારે ભાવિકોને દર્શન કરવા મંજૂરી અપાય તેવી અપીલી કરી હતી.

જોકે કોર્ટે હવે તમામ નિયંત્રણ ઉઠાવી લીધા છે અને સાથે સાથે ચાર ધામમાં મેડિકલ સુવિધા પણ રાખવી પડશે. જોકે ભાવિકોએ પણ આ યાત્રા કરવા માટે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે તેવું સર્ટિફિકેટ રાખવું પડશે. યાત્રા દરમિયાન કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવાની જરૂર નહીં પડે. કોર્ટના આદેશથી રાજ્યના વેપારીઓને પણ રાહત મળશે. કારણકે બે વર્ષથી તેમનો વ્યવસાય પણ ઠપ થયો હતો.