(ANI Photo/ ANI Picture Service)

આ વર્ષે ચારધામની યાત્રામાં અત્યાર સુધી 106 યાત્રીઓના મોત થયા હોવાથી સરકારે આ પ્રસિદ્ધ યાત્રાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ઉત્તરાખંડ સરકારે રવિવારે જણાવ્યું હતુ કે, 50 વર્ષથી વધુ ઉંમરના તીર્થયાત્રીઓને હેલ્થ ચેક અપ કરાવ્યા બાદ જ આ યાત્રા શરૂ કરવાની રહેશે.

ઉત્તરાખંડના આરોગ્યના મહાનિર્દેશક શૈલજા ભટ્ટે જણાવ્યું હતું કે, અમે ચારધામ યાત્રા માટે આવતા 50 અને તેથી વધુ વયના તમામ શ્રદ્ધાળુઓ માટે મેડિકલ સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2019માં 90થી વધુ ચારધામ યાત્રીઓ, વર્ષ 2018માં 102 અને વર્ષ 2017માં 112 થી વધુ યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા.

ઉત્તરાખંડમાં આ વર્ષે ચારધામ યાત્રામાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 12.83 લાખ ભક્તો ચાર ધામમાં દર્શન માટે પહોંચ્યા છે. યાત્રા દરમિયાન મૃતકોની સંખ્યા 106 પર પહોંચી ગઈ છે.
કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓની સૌથી વધુ ભીડ જોવા મળી રહી છે. બદ્રીનાથ ધામમાં અત્યાર સુધીમાં 4.28 લાખ શ્રદ્ધાળુઓ અને કેદારનાથ ધામની મુલાકાત 4.22 લાખ ભક્તોએ મુલાકાત લીધી હતી. આ સિવાય ગંગોત્રી ધામમાં 2 લાખ 38 હજાર ભક્તો આવ્યા હતા, જ્યારે યમુનોત્રી ધામમાં 1 લાખ 77 હજાર ભક્તો આવ્યા હતા. તે જ સમયે, 16 હજાર શ્રદ્ધાળુઓ હવે શીખોના પવિત્ર સ્થળ હેમકુંડ સાહિબ પહોંચ્યા છે.