સાઉથ લંડનના ચીમ વિસ્તારમાં રહેતા એક પરિવારના ઘરમાંથી £40,000ના સોનાના દાગીના ચોરાયા બાદ પોલીસ અધિકારીઓએ ચોરાયેલા દાગીનાની તસવીરો જાહેર કરી તે અંગેની  માહિતી આપવા અપીલ કરી છે.

બુધવાર, તા. 11 ઓગસ્ટના રોજ ચીમના રેફિલ્ડ રોડ ખાતે આવેલ એક ઘરના રહેવાસીઓ ઘરની બહાર હતા ત્યારે બપોરના 1થી રાતના 9-45ની વચ્ચે ચોરી થઇ હોવાનું મનાય છે. રાતના દસ કલાકે પોલીસને આ અંગે જાણ કરાતા પોલીસ દોડી આવી હતી. પોલીસ, તપાસમાં જણાયું હતું કે ચોરો ઘરના પાછળનો દરવાજો તોડીને પ્રવેશ્યા હતા અને સોનાના દાગીના ચોરી ગયા હતા.

પોલીસ અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ તપાસવા સહીત આજુબાજુમાં રહેતા પડોશીઓ સાથે વાત-ચીત કરી તપાસ હાથ ધરી છે. ચોરો આ દાગીના વેચવાનો પ્રયાસ કરે તેવા સંજોગોમાં તેમને ઝડપી શકાય તે આશયે પોલીસે ચોરાયેલા દાગીનાની કેટલીક તસવીરો બહાર પાડી લોકોને દાગીના કે ચોરો અંગે ભાળ મળે તો માહિતી આપવા અપીલ કરી છે.

ચીમને આવરી લેતી લોકલ પોલીસ ટીમના પીસી લુકા ગિયાનોટ્ટાએ જણાવ્યું હતું કે “આ દાગીનાનું નોંધપાત્ર નાણાકીય મૂલ્ય હોવા ઉપરાંત તે ભોગ બનેલ પરિવાર માટે મહાન ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે અને તેઓ આ દાગીના પરત મેળવવા માટે રસ ધરાવે છે. હું આ વિસ્તારમાં વસતા કે બિઝનેસ ધરાવનાર સૌ કોઇને જો આવી જ્વેલરી ખરીદવા કહેવાયું હોય તો તેમને તરત જ પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરૂ છું.”

માહિતી ધરાવતી કોઈપણ વ્યક્તિને 101 ઉપર પોલીસને ફોન કરવા અથવા CAD 7696/11Aug ટાંકીને @MetCC પર ટ્વિટ કરવા અથવા ક્રાઇમસ્ટોપર્સનો ફોન નં. 0800 555 111 ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

ચોરીથી બચવા આટલું કરો

અત્રે ઉલ્લેખનીય છે કે લંડન, લેસ્ટર, બર્મિગહામ, વેલિંગબરો, માંચેસ્ટર સહિતના વિસ્તારોમાં વસતા ભારતીયોના ઘરને ચોરો દ્વારા ખાસ કરીને સોનાના દાગીના ચોરવા માટે અવારનવાર નિશાન બનાવવામાં આવે છે. એક સામાન્ય છાપ એવી છે કે ભારતીયો સુખી હોય છે અને તેમના ઘરમાં મોટા પ્રમાણમાં સોનાના દાગીના અને રોકડ રાખવામાં આવેલી હોય છે. જેના કારણે ચોરો ચોરી કરવા પ્રેરાય છે.

આ સંજોગોમાં સીસી ટીવી કેમેરા, સીક્યુરીટી અલાર્મ અને મજબૂત દરવાજા સહિતના અન્ય સાધનો ઘણી બધી સુરક્ષા આપે છે. તે જોઇને ચોરો પકડાઇ જવાશે કે ચોરી કરવામાં તકલીફ થશે તેમ માની ચોરી કરવાનું ટાળે છે. આ ઉપરાંત બની શકે તો સૌને સેફ ડીપોઝીટ વોલ્ટનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવે છે જેથી આવા ચોરીના બનાવો સામે રક્ષણ મળી શકે. બની શકે તો લોકોને તેમના કિંમતી દાગીનાનું વેલ્યુએશન કરાવવા અને તે દાગીનાના ફોટો એક સફેદ કાગળ પર લઇને તે સાચવીને મૂકી રાખવાની પણ સલાહ આપવામાં આવે છે જેથી પોલીસ તે ફોટો પ્રસારીત કરીને દાગીના પરત મેળવી શકે.