ચીનના વુહાનમાં કોરોના વાયરસે ફરી દેખા દેતા સત્તાધીશો દોડતા થઈ ગયા છે. મંગળવારે વુહાનના વરિષ્ઠ અધિકારી લી તાઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તંત્ર દ્વારા વુહાનમાં રહેતા તમામ 1.10 કરોડ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલમાં જ વુહાનમાં એક વર્ષના લાંબા ગાળા બાદ લોકલ ઈન્ફેક્શનનો પહેલો કેસ જોવા મળ્યો હતો. ચીનના નાનજિંગ નજીકના યાંગઝોઉ શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી દેવાઈ છે. 1.3 કરોડની વસ્તી ધરાવતા યાંગઝોઉમાં એક ઘરમાંથી માત્ર એક જ વ્યક્તિને જીવનજરુરિયાતની ચીજવસ્તુ માટે બહાર નીકળવાની છૂટ છે.

વુહાનના વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું હતું કે સોમવારે લોકલ ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શનના સાત નવા કેસ મળ્યા હતા, તમામ દર્દીઓ માઈગ્રન્ટ કામદારો છે. વુહાનમાં 2020માં કોરોના ફાટી નીકળતા આખાય પ્રાંતમાં જડબેસલાક લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું, અને થોડા વખતમાં જ અહીં વાયરસ કાબૂમાં આવી ગયો હતો. જોકે, ત્યારબાદ સમગ્ર વિશ્વમાં તે પ્રસરી ચૂક્યો હતો અને તેણે મહામારીનું સ્વરુપ ધારણ કરી લીધું હતું.

ચીનના અન્ય ભાગોમાં પણ કોરોનાના કેસો જોવા મળતા લોકોને ઘરમાં જ રહેવા અને પ્રવાસ ના કરવા કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય ચીને મોટાપાયે માસ ટેસ્ટિંગ પણ શરુ કર્યું છે. સમગ્ર ચીનમાં મંગળવારે 61 નવા કેસ નોંધાયા હતા. કોરોનાનો ખૂબ જ ઝડપથી ફેલાતો ડેલ્ટા વેરિયન્ટ ચીનના કેટલાક શહેરો સુધી પહોંચી ગયો છે. તાજેતરમાં જ નાનજિંગ એરપોર્ટના સફાઈ કામદારોમાં નવા વેરિયંટનો ચેપ જોવા મળ્યો હતો અને હવે આખા ચીનમાં આ પ્રકારના કેસ જોવા મળી રહ્યા છે.

બેજિંગ સહિતના શહેરોમાં લાખો લોકોનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. રહેણાંક વિસ્તારોને કોર્ડન કરવામાં આવી રહ્યું છે અને દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. સોમવારે 40 નવા કેસ મળતા પૂર્વ સેન્ટ્રલ ચીનના હુનાન પ્રાંતના ટુરિસ્ટ પ્લેસ ઝાંગજિઆજિએ અને તેની નજીકના ઝુંગઝોઉમાં નિયંત્રણોની જાહેરાત કરવામાં આવી છે. આ બંને શહેરોની વસ્તી 20 લાખ જેટલી થવા જાય છે. ગયા મહિને જ નાનજિંગ એરપોર્ટના કોરોનાગ્રસ્ત કર્મચારીઓએ ઝાંગજિઆજિએમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેનાથી આ વાયરસનો ચેપ બીજા લોકોને પણ લાગ્યો હતો. ત્યારથી જ તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે, અને લોકોને પણ જે વિસ્તારોમાં કેસ જોવા મળ્યા છે ત્યાં ના જવા જણાવાઈ રહ્યું છે.