(Photo by ROBERTO SCHMIDT/AFP/GettyImages)

બોલિવૂડ સિંગર તથા એક્ટર યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે મંગળવારે પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. લગ્નના 10 વર્ષ બાદ શાલિનીએ પતિ સામે શારીરિક હિંસા, યૌન હિંસા, માનસિક હેરાનગતિ તથા આર્થિક હિંસાના આરોપ મૂક્યાં છે.

શાલિની તલવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલોન્સ એક્ટ હેઠળ અરજી કરી હતી. આ અરજી કોર્ટના મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સમક્ષ રજૂ થઈ હતી. વકીલ સંદીપ કપૂર, અપૂર્વા પાંડે તથા જીજી કશ્યપે શાલિની તલવાર તરફથી આ અરજી કરી હતી. કોર્ટે હની સિંહ વિરુદ્ધ એક નોટિસ ઇશ્યૂ કરી હતી. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સિંગરે 28 ઓગસ્ટ પહેલાં જવાબ ફાઇલ કરવો પડશે. આ ઉપરાંત હની સિંહ બંનેની જોઇન્ટ પ્રોપર્ટી વેચી નહીં શકે તથા સ્ત્રીધન સાથે છેડછાડ કરી શકશે નહીં. હની સિંહ તથા શાલિનીએ 20 વર્ષની મિત્રતા બાદ 2011માં લગ્ન કર્યા હતા.