(Getty Images)

તિબેટ અને તાઇવાનથી દૂર રહેવાની સલાહ આપનાર ચીન ખુદ ભારતના મૂળભૂત હિતોને નજરઅંદાજ કરી તંગદિલી વધારવામાં લાગી ગયું છે. આની પાછળનું કારણ હવે જાણવા મળ્યું છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ની અંતર્ગત જ્યાં ચીન પાકિસ્તાનમાં 87 બિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે ત્યાં ચુપચાપ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ના ગિલગિટ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની મદદથી લશ્કરી થાણું ઊભું કરવામાં લાગી ગયું છે. ચીન અને પાકિસ્તાનની આ નાપાક ચાલના લીધે લદ્દાખમાં તંગદિલી વધી રહી છે.
ચીન CPECની અંતર્ગત પાકિસ્તાનમાં 87 બિલિયન ડોલરની મદદથી પોર્ટ, રસ્તાઓ, રેલવે અને પાવર પ્લાન્ટ બનાવી રહ્યું છે. ચીનનો હેતુ મલક્કા સ્ટ્રેટ પર પોતાની નિર્ભરતાને ઓછી કરતા ગ્વાદર પોર્ટના રસ્તે દુનિયાને માલની નિકાસ કરવાનો છે. ચીનને હંમેશાંથી એ ડર બની રહ્યો છે કે મલક્કા સ્ટ્રેટમાં ભારત અને અમેરિકા તેના માટે જોખમનું કારણ બની શકે છે. આથી જ તેણે પોતાની સંપૂર્ણ તાકાત પાકિસ્તાનમાં ઝીંકી દીધી છે.