FILE PHOTO: REUTERS/Kim Kyung-Hoon//File Photo

અમેરિકાએ 2022માં ચીનમાં યોજાનારા વિન્ટર ઓલિમ્પિકનો ડિપ્લોમેટિક બહિષ્કાર કરવાની સોમવારે જાહેરાત કરી હતી.. અમેરિકાના આ નિર્ણયનો જોરદાર વિરોધ કરતાં ચીને વોશિંગ્ટન સામે આકરા વળતા પગલાં લેવાની ધમકી આપી હતી. ચીનને જણાવ્યું હતું કે અમેરિકાનો આ નિર્ણય ઓલિમ્પિક ભાવનાની વિરુદ્ધમાં છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે અમેરિકા માનવ અધિકારોના ઉલ્લંઘન તથા શિનજિયાંગ પ્રાંતમાં માનવતા સામેના નરસંહાર અને અત્યાચારને કારણે આ ગેમ્સમાં કોઇ ડિપ્લોમેટિક કે અધિકારી સ્તરના પ્રતિનિધિઓ નહીં મોકલે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ટીમ યુએસએના એથ્લિટને સંપૂર્ણ સમર્થન આપે છે. અમે ઘરેથી તેમના ઉત્સાહમાં વધારો કરીશું.

અમેરિકાના આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ તંગ બનવાની શક્યતા છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકાની હિલચાલનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમોના નરસંહારના આરોપો અમેરિકાએ ઉપજાવી કાઢેલા જુઠ્ઠાણા છે. વૈચારિક પક્ષપાત તથા જુઠ્ઠાણા અને અફવાઓને આધારે અમેરિકા બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સ ખોરવી નાંખવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેનાથી તેના બદઇરાદા બહાર આવશે. ચીનને ભૂતકાળમાં નેટિવ અમેરિકનો સામેના ગુનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

અમેરિકા સામે વળતાં પગલા લેવાની ધમકી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકાનો બહિષ્કાર સ્પોર્ટ્સમાં રાજકારણ ન આવવું જોઇએ તેવા ઓલિમ્પિક ચાર્ટરના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ચીન આ નિર્ણયની નિંદા કરે છે અને તેનો વિરોધ કરે છે. ચીન આકરા વળતા પગલાં લેશે.

અમેરિકા સામે કેવા વળતા પગલાં લેવામાં આવશે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ઘટનાક્રમથી સજાગ રહો. અમેરિકા ઉપરાંત યુરોપિયન યુનિયન અને બીજા કેટલાંક પશ્ચિમી દેશો પણ બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકનો ડિપ્લોમેટિક બહિષ્કાર કરે તેવી શકત્યતા છે. ન્યૂઝીલેન્ડે જાહેરાત કરી હતી કે તે ફેબ્રુઆરીમાં યોજનારા બેઇજિંગ ઓલિમ્પિક્સમાં પ્રધાન સ્તરના રાજદ્વારી પ્રતિનિધિઓ મોકલશે નહીં. ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી વડાપ્રધાન ગ્રાન્ટ રોબર્ટસને કોરોના મહામારીનું કારણ આપીને આ જાહેરાત કરી હતી.